મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

હવે બાળકોને પણ અપાશે કોરોના વેકસીન

ફાઇઝર કંપનીની વેકિસનને અપાઇ લીલીઝંડી

નવી દિલ્હી તા. ૬ : કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે ૧૨થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેકિસનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ બુધવારે આ વાતની પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયથી બાળકોને સામાન્ય જીવન જીવવાની તક મળશે. તેના પહેલા વેકિસનને ૧૬ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી.

યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આગામી સપ્તાહ સુધીમાં યુવાનો માટે ફાઈઝરની વેકિસનને પણ મંજૂરી આપી શકે છે. આગામી વર્ષે સ્કુલ ખુલે તે પહેલા અનેક લોકોને વેકિસનનો ડોઝ આપવાની તૈયારી છે. આ વેકિસનને પહેલેથી જ ૧૬ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી. આ વેકિસને યુવાનોને પણ સુરક્ષા પ્રદાન કરી હતી અને ત્યાર બાદ આ નવી જાહેરાત કરવામાં આવી છે.

ફાઈઝરે ગત માર્ચ મહિનામાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ૧૨થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા ૨૨૬૦ વોલેન્ટિયર્સને વેકિસન આપવામાં આવી હતી. ૧૮ વર્ષની ઉંમરના લોકોની સરખામણીએ ૧૨થી ૧૫ વર્ષની ઉંમરના જે લોકોને વેકિસનનો ડોઝ આપવામાં આવ્યો હતો તેમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો.  સુપ્રિયા શર્માએ જણાવ્યું કે, પુરાવા પ્રમાણે આ એજ ગ્રુપવાળાઓ માટે વેકિસન સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ કેનેડામાં બાળકો માટે મંજૂરી મેળવનારી પહેલી વેકિસન છે.

(3:52 pm IST)