મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

૨૪ કલાકમાં ૪,૧૨,૨૬૨ કેસઃ ૩૯૮૦ દર્દીના મોત

કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક બનીઃ રોજે રોજ નવા-નવા રેકોર્ડ સર્જાય છે : કુલ કેસ ૨,૧૦,૭૭,૪૧૦: કુલ રીકવરી ૧,૭૨,૮૦,૮૪૪: કુલ મૃત્યુઆંક ૨,૩૦,૧૬૮

નવી દિલ્હી, તા.૬: દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક થઈ જઈ રહી છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા દર્દી અને મોતના આંકડાએ જૂના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આવું બીજી વાર થયું છે જયારે એક દિવસમાં કોરોનાના ૪ લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા ૩૦ એપ્રિલે ૪ લાખ ૨ હજાર ૧૪ કેસ સામે આવ્યા હતા. તે દિવસે ૩૫૨૫ દર્દીઓનાં મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪,૧૨,૨૬૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩,૯૮૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૧૦,૭૭,૪૧૦ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૬,૨૫,૧૩,૩૩૯ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.  વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૭૨ લાખ ૮૦ હજાર ૮૪૪ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩,૨૯,૧૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૫,૬૬,૩૯૮ એકિટવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૩૦,૧૬૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ મે સુધીમાં ભારતમાં કુલ ૨૯,૬૭,૭૫,૨૦૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના ૨૪ કલાકમાં ૧૯,૨૩,૧૩૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(10:56 am IST)