મુખ્ય સમાચાર
News of Saturday, 6th April 2019

શું મોદી-શાહ વિરૂદ્ધ બગાવતની તૈયારી? નેતૃત્વ લેશે અડવાણી-જોશી ?

ભાજપના બે નેતાઓ અડવાણી અને જોશી વચ્ચેની મુલાકાત બાદ ઉઠતા અનેક પ્રશ્નોઃ શું બધા જૂના જોગીઓ એકઠા થઈ મોદી-શાહની જોડી સામે ધોકો પછાડશે?: સંઘને પણ મોદી-શાહની જોડી સામે વાંધો છે ? બગાવતને સમર્થન આપે તેવી શકયતાઃ એક નવો મોરચો સામે એવી તેવી શકયતાઃ વાસ્તવિક ભાજપની વિચારધારા ઉપર એ મોરચો કામ કરશે ?

નવી દિલ્હી, તા. ૬ :. ભાજપના વરિષ્ઠ નેતા મુરલીમનોહર જોશી ગઈકાલે લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. ચૂંટણીની સીઝનમાં બન્નેનું મળવુ એ મહત્વનું ગણવામાં આવે છે અને અલગ અલગ મતલબ કાઢવામાં આવી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ અડવાણી અને જોશી મોદી વિરૂદ્ધ ખુલ્લી જંગ છેડે તેવુ ચર્ચાય રહ્યુ છે. મોદી વિરૂદ્ધ મોરચો બનાવવાની તૈયારી પણ થતી હોવાનું કહેવાય છે. એવી ચર્ચા છે કે મોદીને હરાવવા માટે એક નવો મોરચો બનાવવામાં આવે અને એ મોરચો વાસ્તવિક ભાજપની વિચારધારા પર કામ કરશે.

જો અડવાણી આ ફોર્મ્યુલા માટે તૈયાર થાય તો નેતૃત્વની ભૂમિકા અડવાણી ભજવશે તો ભાજપના લગભગ ૬૦ સાંસદો એવા છે જે તેમની સાથે જશે. અડવાણીને પિતા તૂલ્ય ગણતા સુષ્મા અને ઉમા પણ ચૂંટણી લડવા ફરીથી સામે આવી શકે છે.

માનવામા આવે છે કે સંઘ તરફથી આ બગાવતને સમર્થન પણ મળી શકે છે કારણ કે એવી ધારણા પણ છે કે, બધી સંસ્થાઓ ઉપર કબ્જો કર્યા બાદ મોદી-શાહની જોડી હવે સરળતાથી મોહન ભાગવતને પણ નિશાના પર લઈ શકે છે.

અત્રે નોંધનીય છે કે, અડવાણી અને જોશીને ભાજપે ટીકીટ નથી આપી. બન્નેને પ્રચાર અભિયાનમાં પણ સામેલ નથી કરાયા. બન્ને વચ્ચે મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે અડવાણીએ બ્લોગ લખી અપ્રત્યક્ષ રૂપથી ભાજપના હાઈકમાન્ડને કોઈ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. અડવાણીના બ્લોગમાં અત્યંત કડક ભાષામાં સંદેશ હતો કે, આ ભાજપ એ ભાજપ નથી જેની મે સ્થાપના કરી હતી. અડવાણીએ લખ્યુ હતુ કે, વિરોધીઓને દુશ્મન સમજવા અને વ્યકિતને દેશ અને પક્ષની ઉપર ગણવો એ ભાજપની સંસ્કૃતિ નથી.

એવા પણ સમાચાર છે કે ભાજપને પોતાના લોહી-પસીનાથી ઉભો કરનાર મોટા ભાગના જુના લોકો કંઈક કરવાના મૂડમાં છે. ગઈકાલની મુલાકાત આનો એક હિસ્સો ગણી શકાય. ભાજપના દિગ્ગજો અડવાણી, જોશી, સુષ્મા, ઉમા, શાંતાકુમાર, સુમિત્રા મહાજન ચૂંટણી નથી લડતા.

ગઈકાલની મુલાકાતમાં બન્ને વચ્ચે શું ચર્ચા થઈ ? તે જાણી શકાયુ નથી પરંતુ કંઈક રંધાયુ છે એ કયાસ લગાવી શકાય. ભાજપની અંદર પણ વિવિધ પ્રકારની અટકળો થઈ રહી છે.

(9:59 am IST)