મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં કોરોનાનો કહેર ફરીથી શરૂ : પંજાબના જાલંધર જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લાગુ

જલંધર જિલ્લામાં રાતના 11 વાગ્યાથી સવારે પાંચ સુધી કર્ફ્યુ રહેશે

નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશન વચ્ચે પણ દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનો કહેર ફરીથી શરુ થયો છે. આ તરફ પંજાબના જાલંધરમાં વધતા કોરોના કેસના કારણે નાઇટ કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા 10187 કેસ સામે આવ્યા છે, જ્યારે 47 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાયરસના નવા 321 કેસ સામે આવ્યા છે તેમજ એક વ્યક્તિનું મોત થયું છે. શુક્રવારે 312 નવા કેસ નોંધાયા અને ત્રણ લોકોના મોત થયા હતા.

દિલ્હીમાં ફરી વખત રોજિંદા કોરોના કેસનો આંકડો 300ને પાર પહોંચ્યો છે.ડોક્ટરો અને સ્વાસ્થ્ય વિભાગની ટીમે જણાવ્યું કે લોકો અને પ્રશાસનને એવું લાગ્યું કે કોરોના વાયરસ હવે ધીમો થઇ ગયો. તેમની આવી ભાવનાના કારણે ફરી વખત કોરોના મહામારીનો ફેલાવો વધ્યો છે. પંજાબના જાલંધરમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાને લઇને રાજ્ય સરકારે માઇટ કર્ફ્યુ લાગુ કર્યો છે. રાતના 11 વાગ્યાથી સવારે પાંચ સુધી જિલ્લામાં કર્ફ્યુ રહેશે. જાલંધરમાં છેલ્લા પાંચ દિવસની અંદર 559 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે 14 લોકોના મોત થયા છે.

(11:55 pm IST)