મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

તિહાર જેલમાં દિલ્હી દંગાના આરોપીઓને મારી નાખવાનું કાવતરૂઃ થર્મોમીટરના પારાનો કરવાના હતા હથિયાર તરીકે ઉપયોગ

નવી દિલ્હીઃ. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં દિલ્હી પોલીસે તિહાર જેલમાંથી એક કોલ ઈન્ટરસેપ્ટ કર્યો. આ કોલ કંઈક અલગ હતો. કેદીએ પોતાના કોઈ સાથી અથવા પરિવાર પાસેથી ખાવા-પીવાનો કે નશાનો સામાન નહોતો મંગાવ્યો, તેણે પારો મંગાવ્યો હતો. પોલીસે ઈન્ટરનેટ પર થોડી તપાસ કરી તો તેઓ ચોકી ગયા. ત્યાર પછી તેના પર એક ખાસ ટીમ લગાવવામાં આવી, જે પારાના આ કાવતરાને પકડવામાં સફળ રહી. તેમને ખબર પડી કે જેલની અંદરથી જ બે આતંકવાદીઓએ એક મોટું ષડયંત્ર રચ્યુ હતું. તેમના નિશાન પર હતા તિહારમાં જ કેદ દિલ્હી રમખાણોના બે આરોપીઓ.

પોલીસે તે કોલ કરનાર શાહિદ અને રીસીવ કરનાર અસલમ પર ચાંપતી નજર રાખી. શાહિદ કોઈ સામાન્ય કેદી નથી. તે ગેગરેપ અને હત્યાના આરોપમાં જેલમાં છે. અસલમે પોલીસને જણાવ્યુ કે તેણે દવાની દુકાનોમાંથી લગભગ ૧૦૦ થર્મોમીટર ખરીદીને તેને તોડીને તેમાંથી પારો કાઢીને અત્તરની શીશીમાં ભર્યો હતો. આવુ કરવાનું તેને શાહીદે કહ્નાં હતુ. આ પારાનો ઉપયોગ જેલમાં કોઈની હત્યા કરવા માટે થવાનો હતો.

પોલીસે શાહિદની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ કે જેલમાં તે અજીમુશાન અને અબ્દુલ સામી નામના બે લોકોના સંપર્કમાં આવ્યો હતો. ઍ બન્ને ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના ઓપરેટીવ્સ છે. તેમણે શાહિદને આઈએસની વિચારધારા સમજાવી અને જેલમાં જ રહેલા દિલ્હી રમખાણના બે આરોપીઓની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. પ્લાન એવો હતો કે જ્યારે આ કેદીઓ સાથે મળે તો એક ઝઘડો કરાવવામાં આવશે અને તે દરમ્યાન પારો એ બે કેદીઓના શરીરમાં દાખલ કરી દેવાશે.(૨-૧૭)

(1:32 pm IST)