મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

અનુરાગ - તાપસીની મુશ્કેલીમાં વધારો : કરોડોની કરચોરી જપ્ત : તાપસી પાસેથી ૫ કરોડ ઝડપાયા

આઇટીના હાથે લાગ્યા મોટા પુરાવા : ફેન્ટમહાઉસના દરોડામાં કરોડોની હેરાફેરી

મુંબઇ તા. ૬ : ઈન્કમ ટેકસ વિભાગે ફિલ્મ નિર્માણ કરતી બે કંપની, બે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની, એક બોલીવુડ અભિનેત્રીના પરિસરોમાં પાડેલા દરોડામાં ૬૫૦ કરોડ રૂપિયાની ગેરરીતિ મળી આવી હોવાનો દાવો સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ)એ ગુરૂવારે કર્યો હતો. જોકે આ પ્રકરણે કોઈનું નામ જાહેર કર્યું નહોતું. ફેટમ્સ ફિલ્મ્સની કરચોરીની તપાસના સંદર્ભમાં આઈટી વિભાગે મુંબઈ, પૂણે, દિલ્હી અને હૈદરાબાદમાં ૨૮ સ્થળો પર બુધવારે પાડેલા દરોડાની કામગીરી ગુરૂવારે પણ ચાલુ રહી હતી.

સીબીડીટીના એક નિવેદન મુજબ બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ, ડાયરેકટર અનુરાગ કશ્યપ અને તેમના પાર્ટનરો કે જેમણે ફેન્ટમ ફિલ્મ નિર્માણ કંપની બનાવી હતી તેમની મુંબઈ, પુણે અને હૈદ્રાબાદની ઓફિસ પર ગુરૂવારે બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી.

આ ઉપરાંત કવાન અને એકસીડ જેવી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના એકઝીકયુટીવને પણ આ દરોડામાં આવરી લેવામાં આવ્યા હતા. તપાસ એજન્સી અનુસાર આ કંપનીઓ મુખ્યત્વે ફિલ્મ નિર્માણ, વેબ સિરીઝ, અભિનય, દિગ્દર્શન તેમજ સેલિબ્રિટી અને અન્ય કલાકારો માટે ટેલેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. આ સંદર્ભે સૂત્રોનુસાર પન્નુ અને ફેન્ટમ ફિલ્મસના ચાર ભૂતપૂર્વ પ્રમોટરો અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની, વિકાસ બહલ અને મધુ મન્ટેનાને ત્યાં રેડ પાડવામાં આવી હતી.

સીબીડીટીના નિવેદન મુજબ એકચ્યુલ બોકસ ઓફિસની આવક કરતા ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય ગેરરીતિ મળી આવી હતી. આ કંપનીના િઅધકારીઓ ૩૦૦ કરોડ રૂપિયાની વિસંગતતા બાબતે ખુલાસાજનક જવાબ આપી શકયા નહોતા. આ ઉપરાંત અન્ય પ્રોડકશન હાઉસની તપાસમાં ૩૫૦ કરોડ રૂપિયાના શેર ટ્રાન્ઝેકશનમાં હેરાફેરી અને અંડર વેલ્યુએશન મળી આવ્યા છે.

તદુપરાંત આ અભિનેત્રી પાસેથી પાંચ કરોડ રૂપિયાની કેશ રિસીપ્ટ પણ મળી આવી હતી. તપાસમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ દર્શાવવામાં આવ્યા છે. અભિનેત્રીની તપાસમાં પણ આવી જ માહિતી બહાર આવી છે. તદુપરાંત ઈમેલ, વોટ્સએપ, ચેટ, હાર્ડ ડિસ્કમાં મોટા પ્રમાણમાં ડિજીટલ ડેટા મળી આવ્યા હતા.

તદુપરાંત સાત બેન્ક લોકરને નિયંત્રણ હેઠળ લાવી તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય કવાનના એક કો-પ્રમોટર મધુ મન્ટેનાની પણ તપાસ કરવામાં આવી હતી. કવાનના કલાયન્ટ લીસ્ટમાં દીપિકા પદુકોણ જયારે એકસીડના કલાયન્ટ લીસ્ટમાં સૈફ અલી ખાન અને સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે. અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુએ તાજેતરમાં ભાજપ સરકારની ટીકા કરી હતી.

(11:37 am IST)