મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

પત્નીએ કથિત અશ્લીલ ટિકટોક વિડીયો બનાવ્યા હોય તો પણ પતિ ક્રૂરતા ના કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કથિત અશ્લીલ ટિકટોક વિડીયો બનાવવાનો મતલબ એવો નથી કે તેના પર અત્યાચાર અથવા ક્રૂરતા કરવામાં આવે : શખસે બચાવમાં દલીલ કરી કે તેની પત્નીએ ૩૦૦ અશ્લીલ ટિકટોક વિડીયો બનાવ્યા છેઃ સુપ્રીમ કોર્ટે ક્રૂરતાના આરોપી શખસને આગોતરા જામીન આપવાની ના પાડી

નવી દિલ્હી,તા. ૬: સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્ની તરફથી બનાવાયેલા કથિત અશ્લીલ ટિકટોક વિડીયો પત્ની પ્રત્યે ક્રૂરતાનું ગ્રાઉન્ડ બની શકે નહીં. સુપ્રીમ કોર્ટે ક્રૂરતાના આરોપી શખસને આગોતરા જામીન આપવાની ના પાડી દીધી. અરજદારે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેની પત્નીએ ૩૦૦ અશ્લીલ ટિકટોક વિડીયો બનાવ્યા છે પણ આ દલીલ કોર્ટે નકારી દીધી છે. કોર્ટે કહ્યું કે કથિત અશ્લીલ ટિકટોક વિડીયો બનાવવાનો મતલબ એવો નથી કે તેના પર અત્યાચાર અથવા ક્રૂરતા કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેના વડપણ હેઠળની બેંચે અરજદારના વકીલને કહ્યું કે તમારા કલાયન્ટ (અસીલ) પર આરોપ છે કે તેણે ક્રૂરતા કરી છે અને તેવામાં તેણે કોર્ટ તરફથી રાહતની આશા રાખવી જોઈએ નહીં. જયારે અરજદારના વકીલે કહ્યું કે તેના કલાયન્ટે કોઈ ક્રૂરતા નથી કરી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારા કલાયન્ટની પત્નીએ આરોપ લગાવ્યો છે કે અરજદારે તેની સાથે ક્રૂરતા કરી છે. રાજસ્થાનના શખસે પત્ની તરફથી ક્રૂરતાનો કેસ દાખલ કરાયો હોવાના મામલે આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું કે મારા કલાયન્ટના પત્નીએ ૩૦૦ ટિકટોક વિડીયો બનાવ્યા જે અશ્લીલ છે. ત્યારે કોર્ટે કહ્યું કે તેનો એવો મતલબ નથી કે પતિ તેની પત્ની પર ક્રૂરતા કરે. જો આવું થયું હોય તો પણ તમે ખરાબ વ્યવહાર કરી શકો નહીં. અરજદારના વકીલે આ મામલે રાહતની મદદ માગી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમે તેની સાથે રહેવા નથી માગતા તો છૂટાછેડા આપી શકો છો પણ ક્રૂરતા ના કરી શકો.

અરજદારે કહ્યું કે તેના વિરુદ્ઘ એકતરફી કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે એફઆઈઆર એકતરફી નોંધાય છે કયારેય જોઈન્ટ એફઆઈઆર નથી થતી. સુપ્રીમ કોર્ટે અરજદારની આગોતરા જામીનની માગને નકારી દીધી.

(10:20 am IST)