મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

આઝાદીનાં ૭૫માં વર્ષની ઉજવણી : મોદીની અધ્યક્ષતામાં ૨૫૯-સભ્યોની બની સમિતિઃ ટીમમાં સોનિયા - મમતા સહીત મોટા નેતાઓ સામેલ

નવી દિલ્હી, તા.૬: ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાનાં કાર્યક્રમો માટે શુક્રવારે સરકારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતાવાળી ૨૫૯-સભ્યોની ઉચ્ચ-સ્તરની રાષ્ટ્રીય સમિતિની રચના કરી. સમિતિના સભ્યોમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, સીજેઆઈ એસ.એ. બોબડે, એનએસએ અજિત ડોભાલ, ૨૮ મુખ્ય પ્રધાનો, સ્વર સામાજ્ઞી લતા મંગેશકર, નોબેલ વિજેતા અમર્ત્ય સેન, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લગભગ તમામ કેન્દ્રીય પ્રધાનો અને દ્યણા રાજયપાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, સીપીએમનાં નેતા સીતારામ યેચુરી, એનસીપી નેતા શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી, ઉત્ત્।ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમસિંહ યાદવ, બસપા પ્રમુખ માયાવતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અગાઉ સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા થવાનાં કાર્યક્રમો માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત સચિવોની એક સમિતિ પણ બનાવવામાં આવી છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડા પ્રધાનની અધ્યક્ષતામાં સરકારે ૨૫૯ સભ્યોવાળી રાષ્ટ્રીય સમિતિની રચના કરી છે. આ માટેની ગેઝેટ નોટિફિકેશન આજે પ્રકાશિત કરવામાં આવી રહી છે સમિતિમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો પણ છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમિતિ ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા માટેના કાર્યક્રમોની રૂપરેખા માટે નીતિ માર્ગદર્શિકા અને માર્ગદર્શકનું કામ કરશે. આ અંતર્ગત, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના ૭૫ અઠવાડિયા પહેલા ૧૨ માર્ચ ૨૦૨૧ નાં દિવસથી આયોજનોનો શુભારંભ   શરૂ થશે, આજ દિવસે મહાત્મા ગાંધીનાં ઐતિહાસિક મીઠા સત્યાગ્રહની પણ ૯૧ મી વર્ષગાંઠ છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, ઉચ્ચ સ્તરીય સમિતિ ૮ માર્ચે પહેલી બેઠક યોજી સમારોહની તૈયારીની પ્રવૃત્તિઓનાં સંબંધમાં પ્રક્રિયા અંગે ચર્ચા-વિચારણા કરશે.

(10:17 am IST)