મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

મુથૂટ ફાઇનાન્સ ગ્રુપના અધ્યક્ષ એમ.જી મુથુટનું નિધન

MG મુથૂટનું દિલ્હીમાં નિવાસસ્થાને સીડી પરથી પડી જતાં અવસાન ૭૧ વર્ષની ઉંમરે થયું નિધન

ચેન્નાઇ,તા. ૬: મુથૂટ ફાઇનાન્સ દેશમાં ફાઇનાન્સ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે, અને આ ગ્રૂપના અધ્યક્ષ જયોર્જનું નામ દેશના જાણીતા બિઝનેસ ટાયકૂનમાંનું એક માનવામાં આવતું હતું. મળતી માહિતી મુજબ તે મકાનની સીડી પરથી નીચે પડી ગયા હતા. જે બાદ તેને દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

કેરળમાં ૨ માર્ચ ૧૯૪૯ ના રોજ જન્મેલા, જયોર્જની આગેવાની હેઠળના મુથૂટ ગ્રુપની મુખ્ય કંપની મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ, એનબીએફસીમાં દેશની સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની બની ગઈ હતી. આજે ભારતના સંખ્યાબદ્ઘ શહેરો અને ગામડાઓમાં આ કંપની તેની વ્યાપક પહોંચ બનાવી ચૂકી છે અને આ ક્ષેત્રની NBFCમાં એક પ્રમુખનું સ્થાન મેળવી ચૂકી છે. ૨૦૨૦ માં, જયોર્જને ફોર્બ્સ એશિયા મેગેઝિનમાં ૨૬ મા સૌથી ધનિક વ્યકિત તરીકે જાહેર કરવામાં આવ્યા અને તેને દેશના સૌથી ધનિક મલયાલી વ્યકિત તરીકેનો ખિતાબ પણ મેળવી ચૂકયા હતા.

મહત્વનું છે કે એમ.જી.જયોર્જ મુથૂટ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજયુએટ હતા. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ઘણા એકિઝકયુટિવ મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં હાજરી આપી હતી. તે નાની ઉંમરે કૌટુંબિક વ્યવસાય મુથૂટ જૂથમાં જોડાયા અને ૧૯૭૯ માં તેના મેનેજિંગ ડિરેકટર બન્યા. ૧૯૯૩ માં, તેમણે જૂથના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો હતો.

(10:21 am IST)