મુખ્ય સમાચાર
News of Saturday, 6th March 2021

શ્રીધરનને ટિકિટ આપવા પર સ્વામીએ કર્યો વ્યંગ : કહ્યુ- 2024માં અડવાણી, મુરલી મનોહરે ચૂંટણી લડવી જોઇએ

ટ્વીટમાં સ્વામીએ કહ્યુ, ‘ભાજપે શ્રીધરનને 88 વર્ષની ઉંમરમાં કેરળના મુખ્યમંત્રીના ઉમેદવાર બનાવી દીધા: દિગ્ગજ નેતાઓને ઉંમરનો હવાલો આપીને સાઇડલાઇન કરાતા સ્વામીએ વ્યથા ઠાલવી

નવી દિલ્હી : ભાજપમાં સામેલ થયેલા 88 વર્ષના મેટ્રો મેન ઇ શ્રીધરનને કેરળથી ટિકિટ આપવામાં આવી છે અને તેમણે મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરવામાં આવી શકે છે. એક તરફ શ્રીધરને 88 વર્ષે રાજકારણમાં ડેબ્યૂ કર્યુ છે બીજી તરફ 75થી વધુ ઉંમરના ભાજપના દિગ્ગજ નેતાઓને ઉંમરનો હવાલો આપીને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. જેની પર ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, 2024માં લોકસભા ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ પણ ચૂંટણી લડવી જોઇએ.

 એક ટ્વીટમાં સ્વામીએ કહ્યુ, ‘ભાજપે શ્રીધરનને 88 વર્ષની ઉંમરમાં કેરળના મુખ્યમંત્રીના ઉમેદવાર બનાવી દીધા. બીજા શબ્દોમાં કહીએ તો 75 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓને વનવાસની જેમ માર્ગદર્શન મંડળમાં નાખવાના નિર્ણય પર યૂ ટર્ન લઇ લીધો. હું આ સલાહ આપુ છું કે અડવાણી, મુરલી મનોહર જોશી અને શાંતા કુમારે 2024માં લોકસભાની ચૂંટણી લડવી જોઇએ

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા વી મુરલીધરણ ‘મેટ્રો મેન’ ઈ શ્રીધરણને કેરલમાં પાર્ટીના સીએમ ઉમેદવાર બનાવવાની વાતથી યુ-ટર્ન લઈ લીધો છે. વી મુરલીધરને કહ્યું છે કે, “તેમને પાર્ટી સાથે ચર્ચા-વિચારણા કર્યા વગર નિવેદન આપ્યું હતું. પાર્ટીએ સત્તાવાર રીતે તેના વિશે કોઈ જ જાહેરાત કરી નથી.” ગુરૂવારે મુરલીધરને કહ્યું હતુ કે, “અમારી પાર્ટીએ આગામી કેરલ વિધાનસભા ચૂંટણીને લઈને જાહેરાત કરી છે કે, ઈ શ્રીધરન સીએમ પદના ઉમેદવાર હશે.” તેમને લખ્યું હતુ, “ઈ શ્રીધરણે સીએમ પદના ઉમેદવાર બનાવીને બીજેપી કેરલમાં ચૂંટણી લડશે. અમે સીપીઆઈ અને કોંગ્રેસ, બંનેને હરાવીશું, જેથી પ્રદેશને ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ કરનારી સરકાર મળે.”

(12:00 am IST)