મુખ્ય સમાચાર
News of Saturday, 6th February 2021

ઐસા ભી હોતા હૈ

હાઇકોર્ટે આપ્યો લગ્ન વગર ભરણપોષણ ચુકવવાનો આદેશ : સુપ્રિમ કોર્ટે આશ્ચર્ય દર્શાવ્યું

નવી દિલ્હી,તા. ૬: એક વિચીત્ર ચુકાદામાં હાઇકોર્ટ દ્વારા ૨૦ વર્ષના યુવકને છોકરીને ભરણપોષણ ચુકવવાનો આદેશ અપાયો છે. આ ઉમરે કાયદાની દ્રષ્ટિએ લગ્ન પણ ન થઇ શકે તેમ છતાં એક નહીં પણ બે કોર્ટોએ આવો આદેશ પસાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ પણ આ આદેશથી આશ્ચર્યચકિત છે.

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે જ્યારે આ કેસ આવ્યો તો ચીફ જસ્ટીસ બોબડે પણ આશ્ચર્યચકિત થઇ ગયા. ત્રણ સભ્યોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટીસ બોબડેએ પોતાના બે સાથી જજો સાથે પણ આ કેસ અંગે ચર્ચા કરી પણ એ બધા આ ચુકાદાથી આશ્ચર્યમાં હતા.

વકીલ રચિતા પ્રિયંકા રાયે કહ્યું કે તેના અસીલ જયારે ફકત ૨૦ વર્ષનો હતો ત્યારે માર્ચ ૨૦૦૬માં પોતાના ગામની જ એક છોકરી સાથે ભાગી ગયો હતો. બન્ને જમશેદપુર ભાગી ગયા હતા અને ત્યા લગભગ એક અઠવાડીયુ સાથે રહ્યા હતા.

અરજી અનુસાર ત્યાર પછી બન્ને પાછા ગામમાં આવી ગયા હતા. ગામની પંચાયતે બન્નેના લગ્ન કરાવવાની કોશિષ કરી હતી પણ કેટલીક પરિસ્થિતીઓના કારણે તેમના લગ્ન ન થઇ શકયા. ત્યાર પછી છોકરીએ છોકરા વિરૂધ્ધ પ્રતાડના અને ભરણપોષણની માંગણી એમ બે કેસ નોંધાવ્યા. છોકરીનું કહેવુ હતુ કે તેમના લીવ લઇ રીલેશનને લગ્ન સમાન ગણવામાં આવે.

ટ્રાયલ કોર્ટે છોકરીની વાતનો સ્વીકાર કરીને છોકરાને પ્રતાડનાના ગુનામાં એક વર્ષની કેદની સજા સંભળાવી અને સાથે જ કોર્ટે છોકરાને મહીને ૫૦૦૦ રૂપિયાનું ભરણપોષણ છોકરીને ચુકવવાનો આદેશ આપ્યો. ટ્રાયલ કોર્ટના આદેશને છોકરાએ ઝારખંડ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે લગ્ન ન થયા હોવાની વાત સ્વીકારીને ગુનાહિત કેસ તો રદ કર્યો પણ ભરણપોષણ ચૂકવવાનો આદેશ જેમનો તેમ રાખ્યો હતો.

વકીલ રચિતાએ બેંચ સમક્ષ હાઇકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવતા કહ્યું કે કાયદેસર રીતે ૨૦ વર્ષની ઉંમરે કોઇ લગ્ન ન કરી શકે તો છોકરી સાથેના કોઇ પણ પ્રકારના સંબંધને લગ્ન જેવા કેવી રીતે ગણી શકાય.

(10:04 am IST)