મુખ્ય સમાચાર
News of Monday, 5th December 2022

સામાજિક સુરક્ષા પેન્શન અને માતૃત્વ ધારણ કરતા મહિલાઓ માટે નાણાં ફાળવો: ૫૧ અર્થશાસ્ત્રીઓએ નાણામંત્રીને લખ્યો પત્ર 

વિધવા પેન્શનના વધારો કરો : નેશનલ ફૂડ સિક્યોરિટી લાભથી વંચિત નહી રાખો: અગાઉના પત્રોનો ઉલ્લેખ કરીને મહિલાને વધુ લાભ આપવા માંગણી 

વિશ્વભરના 51 પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને એક ખુલ્લો પત્ર લખીને સામાજિક સુરક્ષા પેન્શન અને માતા બન્યા પછી મહિલાઓને યોગ્ય લાભ આપવાની માંગ કરી છે અને આ માટે બજેટમાં ભંડોળ ફાળવવાની માંગ કરી છે.

અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે તેઓએ અગાઉ 20 ડિસેમ્બર 2017 અને 21 ડિસેમ્બર, 2018ના રોજ ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીને આ સંબંધમાં પત્રો લખ્યા હતા, પરંતુ તેમની દરખાસ્તો પર હજુ સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકાર હાલમાં નેશનલ પેન્શન સ્કીમ હેઠળ વૃદ્ધોને દર મહિને માત્ર 200 રૂપિયા ચૂકવે છે. આ રકમ 2006 થી વધારવામાં આવી નથી, જેને વધારીને રૂ. 500 કે તેથી વધુ કરવી જોઈએ. હાલમાં સરકાર 2.1 કરોડ લોકોને પેન્શન આપે છે. નવી સિસ્ટમ લાગુ કરવા માટે સરકારે બજેટમાં વધારાના 7,560 કરોડ રૂપિયા ફાળવવા પડશે.

વિધવા પેન્શન 300 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી છે. તેના પર 1560 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે.

આ પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2013થી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ મહિલાઓને માતા બનવા પર 6000 રૂપિયા આપવાની જોગવાઈ હતી, પરંતુ કેન્દ્ર સરકારે ઘણા વર્ષો સુધી આ અંગે કોઈ પગલું ભર્યું ન હતું. . વર્ષ 2017માં આ સંદર્ભે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના લાવવામાં આવી હતી. જો કે, આ માટે બજેટમાં ક્યારેય 2.5 હજાર કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી નથી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાના ધારાધોરણો અનુસાર આ જરૂરી બજેટનો ત્રીજો ભાગ પણ નથી. આ પોતે જ કાયદાનું ઉલ્લંઘન છે.

આ યોજના હેઠળ એક મહિલાને દરેક બાળક માટે માત્ર 5000 રૂપિયા મળે છે. વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટમાં ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જરૂરી જાહેર કરાયેલા તમામ માતૃત્વ લાભો લાગુ કરવા જોઈએ. આ માટે બજેટમાં 8000 કરોડ રૂપિયાની ફાળવણી કરવી પડશે.

પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, તમામ લાભાર્થીઓને દર મહિનાની સાતમીએ ચૂકવણી કરવામાં આવે.

(12:47 pm IST)