મુખ્ય સમાચાર
News of Sunday, 5th December 2021

બિહારમાં સરકારી આંકડામાં બક્સર ખાતે કોરોનાથી થયેલા મૃત્યુનો સમાવેશ ન કરવાથી હાઈકોર્ટમાં સરકારને ફટકાર લગાવી

02 ડિસેમ્બર સુધી બિહારમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 9,664 હતી, જેમાં 03 ડિસેમ્બરે બીજા 2,425 લોકો ઉમેરાયા : 09 જૂને પણ ફેરફાર કર્યો હતો. ત્યારે 3,931 લોકોનો સરકારી આંકડામાં સમાવેશ કર્યો હતો અને ત્યાર પછી સંખ્યા વધીને 5,424 થઈ ગઈ હતી. ત્યાર પછી આ આંકડામાં એકાએક 73 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

 

બિહારમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યામાં એક જ દિવસમાં 2,424 લોકોનો વધારો થયો છે. હવે રાજ્યમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 12,089એ પહોંચી ગઈ છે જે અત્યાર સુધી 9,664 હતી. સરકારે 6 મહિનામાં બીજી વખત આ ફેરફાર કર્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે 02 ડિસેમ્બર સુધી બિહારમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 9,664 હતી, જેમાં 03 ડિસેમ્બરે બીજા 2,425 લોકો ઉમેરાયા. પટના હાઈકોર્ટના ફટકાર બાદ સરકારી આંકડામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી આંકડામાં બક્સર ખાતે કોરોનાથી થયેલા મૃત્યુનો સમાવેશ ન કરવાથી હાઈકોર્ટમાં સરકારને ફટકાર લગાવવામાં આવી હતી.

સરકારે કોરોનાથી થયેલી મૃત્યુની સંખ્યામાં 09 જૂને પણ ફેરફાર કર્યો હતો. ત્યારે 3,931 લોકોનો સરકારી આંકડામાં સમાવેશ કર્યો હતો અને ત્યાર પછી સંખ્યા વધીને 5,424 થઈ ગઈ હતી. ત્યાર પછી આ આંકડામાં એકાએક 73 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ફેરફાર પણ કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છુપાવવાની વાત બહાર આવ્યા પછી કરવામાં આવ્યો હતો.

 

બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ જણાવ્યું કે, બિહારમાં કોરોનાથી થયેલા મૃત્યુના નવા આંકડા પ્રમાણે જ બધાને વળતર આપવામાં આવશે. સંક્રમણથી મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ મૃત્યુનો પહેલા કોઈ હિસાબ ન હતો, પરંતુ તપાસ પછી નવા આંકડા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

(2:41 pm IST)