મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

ભાષણમાં પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહના પિતા યોગરાજસિંહે હિન્દુઓને ગદ્દાર કહીને ભાંડતા વિરોધ

પૂર્વ ક્રિકેટર યુવરાજના પિતા ફરી વિવાદમાં : ખેડૂતોને સમર્થન આપવા પહોંચેલા પૂર્વ ક્રિકેટરના પિતાના ભાષણનો વીડિયો વાયરલ થતાં યોગરાજ સિંહ ટ્રેન્ડ થયા

નવી દિલ્હી, તા. : પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહના પિતા યોગરાજ સિંહ ફરી વિવાદમાં છે. ખેડૂત આંદોલનને સમર્થન આપવા પહોંચેલા યોગરાજસિંહે હિન્દુઓને લઇને વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જ્યારે 'એરેસ્ટ યોગરાજ સિંહલ્લ ટ્રેન્ડ થવા લાગ્યું છે. યોગરાજસિંહનું જે ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, તેમાં તેઓ પંજાબીમાં ભાષણ આપી રહ્યા છે. ભાષણમાં તેઓ હિન્દુઓ માટે 'ગદ્દાર' શબ્દનો ઉપયોગ કરતા સાંભળવામાં આવે છે. તેઓ કહે છે કે, હિન્દુ ગદ્દાર છે, ૧૦૦ વર્ષ મુગલોની ગુલામી કરી. એટલું નહીં, તેમણે મહિલાઓને લઈને પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

વાયરલ વીડિયોને પગલે લોકોમાં આક્રોશ ફેલાઇ ગયો છે. લોકો તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી રહ્યા છે. જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર 'એરેસ્ટ યોગરાજ સિંહલ્લ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે યોગરાજ પહેલા પણ પોતાના નિવેદનોને લઈને વિવાદમાં રહી ચૂક્યા છે. થોડા સમય અગાઉ યોગરાજ સિંહે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. યુવરાજ સિંહને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળતાં તેમણે ધોની પર નિશાન સાધ્યું હતું.

(7:28 pm IST)