મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

ગ્રેટર હૈદરાબાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓવૈશીની પાર્ટીનો સ્‍ટ્રાઇક રેટ સૌથી સારોઃ હવે કિંગ મેકરની ભૂમિકામાં

હૈદરાબાદ: ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની કુલ 150 બેઠકો પર 1 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં રાજ્યની સત્તાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) 56 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે પરંતુ તેને બહુમત મળ્યો નથી. લાંબો કુદકો મારતા ભાજપ બીજા નંબરની પાર્ટી બની ગઇ છે જ્યારે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM કોઇ બેઠકનું નુકસાન ઉઠાવ્યા વગર 44 બેઠક જીતવામાં સફળ રહી છે. કોંગ્રેસને માત્ર બે બેઠક મળી છે.

આંકડા પર નજર કરીએ તો ઓવૈસીની પાર્ટીનો સ્ટ્રાઇક રેટ સૌથી સારો રહ્યો છે. ઓવૈસીએ 150 સભ્યો ધરાવતા નગર નિગમમાં માત્ર 51 બેઠક પર જ ઉમેદવાર ઉતાર્યા હતા અને તેમાંથી 44 બેઠક પર જીત મેળવી છે. ઓવૌસીનો સ્ટ્રાઇક રેટ 86 ટકાથી વધુનો રહ્યો છે, જ્યારે TRSએ 33 બેઠક ગુમાવવી પડી છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પાર્ટીને 2016ની ચૂંટણીની તુલનામાં 40 ટકા ઓછી બેઠક મળી છે.

2016ની GHMC ચૂંટણીમાં સત્તાધારી તેલંગાણા રાષ્ટ્રીય સમિતીએ 99 બેઠક જીતી હતી અને મેયર પદ પર કબજો જમાવ્યો હતો, ત્યારે ભાજપને માત્ર 4 અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 44 બેઠક મળી હતી. ભાજપે આક્રમક પ્રચાર અને હિન્દૂ કાર્ડ રમતા હૈદરાબાદમાં જોરદાર જીત મેળવી છે અને પોતાની તાકાત 12 ઘણી વધારી છે. 2018માં 117 બેઠકો પર યોજાયેલી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 100 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ તેના માત્ર 2 ધારાસભ્ય જ જીતી શક્યા હતા પરંતુ બે વર્ષ બાદ જ પાર્ટીએ દક્ષિણ રાજ્યમાં સ્થાનિક સ્તરે મોટી પકડ જમાવી છે. 2023 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ટીઆરએસ માટે મોટો પડકાર બનીને ઉભરી છે.

પહેલા ત્રિકોણાત્મક રહેલી ચૂંટણીના પરિણામ હવે ત્રિશંકુ થઇ ગયા છે. એવામાં સવાલ ઉભો થઇ રહ્યો છે કે ગ્રેટર હૈદરબાદનો મેયર હવે કઇ પાર્ટીનો હશે, ભાજપે ટીઆરએસને જોરદાર નુકસાન પહોચાડ્યુ છે અને 2023ની વિધાનસભા ચૂંટણીમાં તેનાથી ખતરો છે, એવામાં સંભવ છે કે ટીઆરએસ મેયર પદની ચૂંટણીમાં ભાજપનો સાથ ના લે. બીજી તરફ ઓવૈસીએ ચૂંટણીના પરિણામ આવવાની સાથે ઇશારામાં જ કહી દીધુ કે તે કેસીઆરનો સાથ આપવા માટે તૈયાર છે.

(4:53 pm IST)