મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

ઓર્ગેનિક ખાવાથી કંટાળી ગયેલ રશિયન અબજપતિ વિક્‍ટર માર્ટિનોવનીએ 2 લાખમાં હેલીકોપ્‍ટર ભાડે કરીને બર્ગર ખાવા મેકડોનાલ્‍ડ આઉટલેટ્‍સમાં ગયા

મોસ્કોઃ ખાવાનો શોખ કોને કહેવાય તે જાણવું હોય તો રશિયન ઉદ્યોગપતિ વિશે જાણો. આ ભાઈએ પોતાનો બર્ગર ખાવાનો શોખ પૂરો કરવા માટે બે લાખમાં હેલિકોપ્ટર ભાડે કર્યા હતા.

આ વાત છે રશિયન અબજપતિ વિક્ટર માર્ટિનોવની. વિક્ટર માર્ટિનોવ અને તેની પ્રેમિકા ક્રીમિયામાં રજાઓ ગાળી રહ્યા હતા, પરંતુ ત્યાંનું ઓર્ગેનિક ખાવાનું ખાઈ તે કંટાળી ગયા હતા.

આ દરમિયાન બર્ગરની શોધમાં તેમણે હેલિકોપ્ટર બૂક કર્યુ અને આ હેલિકોપ્ટર નજીકના મેકડોનાલ્ડ આઉટલેટ્સ પર ગયું જે ક્રીમિયાથી લગભગ 450 કિલોમીટર દૂર હતુ. રશિયન મીડિયા મુજબ વિક્ટરે આ હેલિકોપ્ટર ડ્રાઇવ માટે બે હજાર પાઉન્ડ એટલે કે લગભગ બે લાખ રૂપિયાની ચૂકવણી કરી. તેની સામે તેમણે બર્ગર, ફ્રાઇઝ અને મિલ્કશેકનો ઓર્ડર કર્યો જેની કિંમત લગભગ 49 લાખ પાઉન્ડ હતી.

તેમણે રશિયન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને મારી પ્રેમિકા અહીંનું ઓર્ગેનિક ફૂડ ખાઈ કંટાળી ગયા હતા, અમે મોસ્કોમાં મળતો હોય તેવો બર્ગર ખાવા ઇચ્છતા હતા. તેથી અમે એક હેલિકોપ્ટર લીધું અને ક્રાસનોડોર ઉપડ્યા. વાસ્તવમાં આ બાબત ઘણી રોમાંચક રહી. અમે હેમ્બર્ગર ખાધુ અને ફરી પાછા તે જ હેલિકોપ્ટરમાં પરત ફર્યા.

ઉલ્લેખનીય છે કે વિક્ટર માર્ટિનોવ મોસ્કોની એક કંપનીના સીઇઓ છે, જે હેલિકોપ્ટર વેચે છે. 2014માં જ ક્રીમિયામાંથી ફાસ્ટ ફૂડનું સંચાલન બંધ થઈ ગયુ હતુ અને તેથી હવે ત્યાં મેકડોનાલ્ડનો એકપણ આઉટલેટ નથી. પોતાની ભાવતી વસ્તુ ખાવાનો શોખ આને કહેવાય, જે કંઈપણ કરાવી શકે.

(4:50 pm IST)