મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

કોરોના વેક્સીન લીધા પછી પણ મંત્રી અનિલ વિજ કેવી રીતે સંક્રમિત થયા? : નિષ્ણાતોએ જણાવ્યું કારણ

ટ્રાયલ દરમિયાન અમુક લોકોને પ્લાસીબો આપવામાં આવ્યું હોય, વેક્સીન નહીં : કોઈ પણ વેક્સીન કારગર થાય તે માટે 28 દિવસનો સમય લે છે : તેમના શરીરમાં એન્ટીબૉડીઝ ન બની હોય અને તેઓ કોરોના સંક્રમિત થયા હોય : વેક્સીન પર શંકા કરવી યોગ્ય નથી. આવું થવું અમુક હદ સુધી શક્ય છે

નવી દિલ્હી: કોવિડ-19ની રસીનો ડોઝ લીધાના 15 દિવસ પછી હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ કોરોના પોઝિટિવ થયા છે. આ સમાચાર જાણીને તમામ લોકો પરેશાન છે. આ સાથે જ વેક્સીનની અસરને લઈન અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે અનિલ વિજ કોરોના પોઝિટિવ થયા તે માટે વેક્સીન પર શંકા કરવી યોગ્ય નથી.

  ઑલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના પૂર્વ નિર્દેશક એમસી મિશ્રનું કહેવું છે કે અનિલ વિજે 20 નવેમ્બરના રોજ વેક્સીન ટ્રાયલ લીધી હતી અને હવે તેઓ કોરોના પોઝિટિવ થયા છે. આના પાછળ બે કારણ હોઈ શકે છે. પ્રથમ એવું કે કોઈ પણ વેક્સીનના ટ્રાયલ દરમિયાન અમુક લોકોને પ્લાસીબો (દવાના ભ્રમમાં કોઈ સામાન્ય પદાર્થ) આપવામાં આવે છે, જ્યારે અમુક લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવે છે. આવું કહેવામાં નથી આવતું. ફક્ત નોંધ રાખવામાં આવે છે.

એમસી મિશ્રનું કહેવું છે કે એવું શક્ય છે કે અનિલ વિજને પ્લાસીબો આપવામાં આવ્યું હોય, વેક્સીન નહીં. આથી તેઓ પોઝિટિવ આવે તો તેમાં કોઈ નવાઈ નથી. બીજી એવું કે અનિલ વિજને વાસ્તવમાં દવાનો જ ડોઝ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પણ વેક્સીન કારગર થાય તે માટે 28 દિવસનો સમય લે છે. 28 દિવસ દરમિયાન શરીરમાં એન્ટીબૉડીઝ બને છે. અનિલ વિજને ડોઝ આપ્યાને હજુ 18 દિવસ જ થયા છે. આ દરમિયાન તેમના શરીરમાં એન્ટીબૉડીઝ ન બની હોય અને તેઓ કોરોના સંક્રમિત થયા છે.
મિશ્ર કહે છે કે 15 દિવસમાં કોઈ પણ વેક્સીન કારગર નથી નીવડતી. આથી વેક્સીન પર શંકા કરવી યોગ્ય નથી. આવું થવું અમુક હદ સુધી શક્ય છે, આથી કોઈ પણ વેક્સીનની ક્ષમતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. ભારત બાયોટેક આ અંગે અનિલ વિજનો ડેટા ચકાસીને યોગ્ય જાણકારી આપશે.

(3:32 pm IST)