મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

ખેડૂતો સાથે બેઠક શરૃઃ પીએમની દરમિયાનગીરીઃ ઉકેલની આશા

આંદોલનકારી ખેડૂતોની માંગણીઓ અંગે સરકાર ઝુકવા તૈયારઃ કેટલાક ફેરફારો કરવા તૈયારીઃ મોદીએ સાથીઓ સાથે બે કલાક કર્યુ મંથન : બપોરે પાંચમા દોરની બેઠક શરૃઃ કૃષિમંત્રીને આશા છે કે મંત્રણા સફળ થશેઃ ખેડૂતો માનશે ખરા ?

નવી દિલ્હી, તા. ૫ :. છેલ્લા ૧૦ દિવસથી કૃષિ કાનૂનને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગણી અંગે ચર્ચા કરવા આજે બપોરે પાંચમા તબક્કાની બેઠક શરૂ થઈ છે. આજની બેઠકમાં સરકાર કૃષિ કાનૂનમા કેટલાક ફેરફારો કરવાની ઓફર કરી શકે છે. દરમિયાન ખેડૂતોની માંગણીઓને લઈને વડાપ્રધાન મોદીએ આજે સવારે મંત્રી મંડળના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ સામેલ થયા હતા.

વડાપ્રધાને યોજેલી બેઠક ૨ કલાક ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ખેડૂતો સમક્ષ કૃષિ કાનૂનમાં કેટલાક ફેરફારો કરવાની ઓ ફર કરી શકે છે. કોન્ટ્રાકટ ફાર્મિંગમાં વિવાદ થવા પર એસડીએમને બદલે સીવીલ કોર્ટમાં જવાની પરવાનગી આપવા વિચાર થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે નવા કાયદામાં વિવાદને એસડીએમ પાસે ઉકેલવાની વ્યવસ્થા છે. કોર્ટમાં જવાની કોઈ જોગવાઈ નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાનગી ખરીદદારો પાસે પાનકાર્ડને બદલે રજીસ્ટ્રેશન અનિવાર્ય કરવુ, યાર્ડોને મજબુત કરવા, એમએસપી પર ખરીદી ચાલુ રાખવાનુું લેખીત આશ્વાસન સહિતની બાબતો અંગે ચર્ચા થાય તેવી શકયતા છે.

કેન્દ્રીય કૃષિમંત્રી તોમરે જણાવ્યુ છે કે મને આશા છે કે ખેડૂતો સકારાત્મક વિચારશે અને પોતાનુ આંદોલન સમાપ્ત કરશે. ખેડૂતોનું કહેવુ છે કે સરકાર ત્રણેય કાયદા પાછા લ્યે અને એમએસપી સુનિશ્ચિત કરે.

(3:21 pm IST)