મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

કોરોનાકાળમાં પતિએ સોશ્યલ ડિસ્ટન્સ રાખતા પત્નિ લાલઘુમઃ પહોંચી અદાલતમાં

મધ્યપ્રદેશનો રસપ્રદ કિસ્સોઃ પત્નિનો આરોપ...લગ્ન પછી પતિએ લગ્નજીવન શરૂ જ નથી કર્યુ : અદાલતમાં પત્નિએ પતિની મર્દાનગી ઉપર સવાલ ઉઠાવ્યોઃ પતિએ ફીટનું સર્ટીફીકેટ રજૂ કર્યુ

ભોપાલ, તા. ૫ :. કોરોનાએ પરિવારોમાં પણ મુશ્કેલી ઉભી કરી છે. કોરોનાકાળમા એક યુવકના લગ્ન થયા. લગ્ન બાદ સાસરા પક્ષના લોકો પોઝીટીવ જણાયા હતા. સંક્રમણના ડરથી લગ્ન બાદ યુવક પણ પોતાની પત્નિ સાથે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરતો હતો. કોરોનાનો ડર એટલો હતો કે તે પોતાની પત્નિ પાસે પણ નહોતો જતો. થોડા દિવસો બાદ ગુસ્સે થયેલી નવપરીણિત દુલ્હન સાસરૂ છોડી પિયર ચાલી ગઈ હતી કારણ કે પતિએ કદી વૈવાહિક જીવન શરૂ કર્યુ જ નહોતુ.

પિયર ગયાના ૫ મહિના બાદ તેણે ભોપાલ સ્થિત ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી આપી. ૨ ડીસેમ્બરના રોજ દાખલ અરજીમાં પત્નિએ કહ્યુ હતુ કે પતિ ફોન પર સારી સારી વાત કરે છે પણ કદી પાસે નથી આવતો. જેને લઈને પતિ-પત્નિમાં વિવાદ થતો હતો. બન્નેના લગ્ન ૨૯ જૂન ૨૦૨૦ના રોજ થયા હતા.

યુવતીએ પિયર પહોંચી પરિવારજનોને બધી વાત કરી હતી. પરિવારજનો સાથે વાત કરવા પતિ તૈયાર નહોતો. એવામાં વિવાદ ઘેરો બન્યો. યુવતીના પરિવારજનોનુ કહેવુ છે કે હાલ પુત્રી સામે પુરી જીંદગી પડી છે. અત્યારથી આવુ છે તો ભવિષ્યમાં શું થશે ? તે પછી અરજી કરી.

પત્નિના આરોપ પર પતિએ એક સર્ટીફીકેટ સોંપ્યુ જેમા તે સંપૂર્ણપણે ફીટ હોવાનુ જણાવ્યુ. તે પછી કોર્ટને લાગ્યુ કે મહિલાનો આરોપ ખોટો છે. કોર્ટે બન્નેને સમજાવ્યા અને મહિલાને તેના પતિ સાથે સાસરે મોકલી દીધી હતી.

પતિએ ખુલાસો કર્યો કે લગ્ન બાદ પત્નિના પરિવારના સભ્યો પોઝીટીવ થયા હતા. મને ડર હતો કે પત્નિ અને મારામાં હર્ડ ઈમ્યુનીટીને કારણે કોરોના લક્ષણો દેખાતા નથી. તેને લાગતુ હતુ કે પત્નિ પણ પોઝીટીવ છે તે ડરથી તે પત્નિથી આઘો ભાગતો હતો.

(3:15 pm IST)