મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

કોરોના ઈફેક્ટ : ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીને ચાલુ નાણાકીય વર્ષમાં 21 હજાર કરોડના નુકશાનનો અંદાજ

નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ડેબ્ટ નું સ્તર વધીને રૂ. 50,000 કરોડ થઈ શકે: ઈકરા

નવી દિલ્હી : વિશ્વભરના ઉડ્ડયન ઉદ્યોગને કોરોના વાયરસથી સૌથી ખરાબ અસર થઈ છે. ભારત પણ બાકાત રહ્યું નથી. રેટિંગ એજન્સીએ ભારતના ઉડ્ડયન ઉદ્યોગથી સંબંધિત સંશોધન અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટનો અંદાજ છે કે દેશના ઉડ્ડયન ઉદ્યોગનું નુકશાન ચાલુ નાણાકીય વર્ષમાં 21,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

ઈકરા દ્વારા જાહેર કરાયેલ અહેવાલ ભારતના ઉડ્ડયન ઉદ્યોગ અને મુસાફરોની વૃદ્ધિની સંભાવના પર આધારિત છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ડેબ્ટ નું સ્તર વધીને રૂ. 50,000 કરોડ થઈ શકે છે.

 એજન્સીનું માનવું છે કે ઘરેલું એરલાઇન્સની ક્રેડિટ પ્રોફાઇલ વધુ નબળી પડશે. જોકે, આગામી બે વર્ષમાં 35-37 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થવાનો અંદાજ છે. એજન્સીએ કોરોના રોગચાળાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ પર નકારાત્મક ક્રેડિટ આઉટલુક જાળવી રાખ્યો છે

અગાઉ, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 23 માર્ચે કોરોનાને કારણે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને સ્થગિત કરી દીધી હતી. 25 માર્ચે ઘરેલું ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, સરકારે 25 મેથી એરલાઇન્સને 33.33% ક્ષમતા સાથે ઉડાનની મંજૂરી આપી હતી. 3 ડિસેમ્બરે મંત્રાલયે તેને વધારીને 80% કરી દીધું છે.ઈકરાના અહેવાલ મુજબ, આ વર્ષે 25 મેથી 31 ઓક્ટોબરની વચ્ચે સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગની ક્ષમતા પાછલા વર્ષ કરતા 73% ઘટી છે. આ આંકડા ઉપલબ્ધ સીટ કિલોમીટર (ASKM) પર આધારિત છે. આનાં મુખ્ય કારણો હાલની ક્ષમતાનો અભાવ અને રાજ્યોના સેલ્ફ કોરન્ટાઇન નિયમો છે.

કડક નિયમોને લીધે, ગત વર્ષની તુલનામાં ઘરેલુ ક્ષમતામાં 60% નો ઘટાડો થયો છે. આ દરમિયાન સ્થાનિક મુસાફરોનો ટ્રાફિક એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ૮.25કરોડની સામે આશરે 1.64 કરોડ રહ્યો હતો. જે વાર્ષિક 80.1% નો ઘટાડો છે. રિપોર્ટનો અંદાજ છે કે તેમાં આગળ પણ 62-64% સુધી નો ઘટાડો જોવા મળશે

(12:41 pm IST)