મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

દેશમાં પ્રથમ વેકસીન લેનારને કોરોના થતા ખળભળાટ

હરીયાણાના મંત્રી અનિલ વિજે ૨૦ નવેમ્બરે વેકસીનનો ડોઝ લીધો હતોઃ આજે ટ્વીટ કરી કોરોના થયાનું જણાવ્યું: હોસ્પીટલમાં દાખલ : પ્રથમ રસી લગાવ્યા બાદ તેમને બીજો ડોઝ અપાવવાનો હતો તે પહેલા જ તેઓ સંક્રમિત થયાઃ ભારત બાયોટેકની સ્પષ્ટતા... તેમને પ્રથમ ડોઝ દેવાયો હતોઃ બે ડોઝ પછી જ રસી અસર બતાડે છે

નવી દિલ્હી, તા. ૫ :. ૧૫ દિવસ પહેલા કોરોનાની વેકસીન લેનાર હરીયાણાના સ્વાસ્થ્ય મંત્રીને ફરી કોરોના થતા ખળભળાટ મચી ગયો છે. તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓએ આજે સવારે ટવીટ કરીને આ માહિતી આપી છે.

હરીયાણા મંત્રી અનિલ વિજ કોરોના સંક્રમિત થયા છે. તેમણે આ માહિતી ટ્વીટર થકી આપેલ છે. તેમને ટ્રાયલ દરમિયાન રસી આપવામાં આવી હતી. તેમને અંબાલાના નાગરીક હોસ્પીટલમાં વીઆઈપી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા જણાવાયુ છે. આ દેશનો પહેલો કેસ છે જેમાં રસી લગાવાયા બાદ વ્યકિત સંક્રમિત થયો હોય. જો કે ભારત બાયોટેક તરફથી જણાવવામાં આવ્યુ છે કે કોવેકસીન કલીનીકલ ટ્રાયલ બે ડોઝ પર આધારીત છે જે ૨૮ દિવસના અંતર પછી આપવામાં આવેલ છે. આ વેકસીનની અસર બીજા ડોઝના ૧૪ દિવસ બાદ જાણી શકાશે. બન્ને ડોઝ લીધા પછી જ કોવેકસીન અસર કરશે.

અનિલ વિજને ૨૦ નવેમ્બરના રોજ વેકસીના ત્રીજા તબક્કાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જાણવા મળે છે કે પ્રથમ રસી લગાવ્યા બાદ અનિલ વિજને ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવાનો હતો. ડોકટર તેમના શરીરમાં એન્ટીબોડીઝ બનવાનો અભ્યાસ કરવાના હતા પરંતુ હવે તેઓ કોરોના પોઝીટીવ થયા બાદ રસીકરણ પર સવાલ ઉઠયા છે. અત્રે નોંધનીય છે કે ભારત બાયોટેકના ત્રીજા ચરણનું પરિક્ષણ ચાલી રહ્યુ છે. પ્રથમ અને બીજા ચરણમાં ૧૦૦૦ લોકોને રસી આપવામાં આવી હતી.

(3:20 pm IST)