મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

એચડીએફસી બેંક સામેના આરબીઆઈ કડક વલણથી બેંકના લાખો ખાતેદારોમાં ચિંતાનું મોજ

ડિજિટલ ટ્રાન્જેકશન તથા નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવા પર રોક લગાવવાની ઘટના ચર્ચાનો વિષય

મુંબઈ, તા. ૫ :. દેશની સૌથી મોટી ખાનગી બેંકો પૈકીની એક એવી એચડીએફસી બેંકની ડિજિટલ ટ્રાન્જેકશન સેવામાં ઉભી થયેલી ક્ષતિઓ અને અન્ય કારણોસર તેની સામે આરબીઆઈએ લાલ આંખ કરીને બેંકના ડિજિટલ ટ્રાન્જેકશન અને નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવા પર આરબીઆઈએ રોક લગાવવાનો આદેશ આપતા એચડીએફસી બેંકમા ખાતુ ધરાવતા નોકરીયાત અને વેપારી વર્ગના લાખ્ખો ખાતેદારોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. વેપારીઓને ચિંતા છે કે જો આ બેંક મારફતે ડિજિટલ ટ્રાન્જેકશન નહીં કરી શકે તો તેના વિકલ્પ શોધવા પડશે. જે લોકોના સેલેરી એકાઉન્ટ પણ એચડીએફસી બેંકમાં છે તેઓ પણ હવે શું થશે તે બાબતને લઈને ચિંતિત છે.

એક તરફ સરકાર દ્વારા વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્જેકશન કરાવવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. બેંકોમાં પણ રોકડની આપણે મોટાભાગે ઓનલાઈન થાય તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે ત્યારે દેશના બેન્કીંગ સેકટરમાં અવ્વલ નંબરની બેંકો પૈકીની એક એવી એચડીએફસી બેંકની ડિજિટલ સેવામાં ક્ષતિ થઈ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી.

લગભગ ૬-૮ મહિનામાં બેંકનું સર્વર ડાઉન થઈ જતા લોકોને ડિજિટલ પેમેન્ટ કરવા માટે ડિજિટલ ટ્રાન્જેકશન કરવામાં તકલીફ ઉભી થતી હતી. એચડીએફસી બેંકની ખાસ એપ payzaap પણ ઘણી વખત કામ કરતી બંધ થઈ જતી હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠી હતી. કોઈ ટ્રાન્ઝેકશન કરીએ તો તેના મેસેજપણ ઘણી વખત નહોતા આવતા એવી ગ્રાહકોની ફરીયાદ હતી.

આ તમામ ફરીયાદો સહિત અન્ય કારણોસર આરબીઆઈ દ્વારા એચડીએફસી સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ક્રેડિટ કાર્ડ તથા ડિજિટલ ટ્રાન્જેકશન અંગેના નિર્ણય લેવામાં આવ્યા છે.

(11:46 am IST)