મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

બ્રિટનને ભારત સરકાર સાથે વાતચીત કરવા જણાવ્યું

ખેડૂત આંદોલન દેશથી નિકળી દુનિયા સુધી પહોંચ્યુઃ ૩૬ બ્રિટીશ સાંસદોએ ચિંતા દર્શાવી

નવી દિલ્હી, તા. ૫ :. કેન્દ્ર સરકારે બનાવેલા કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં દેશના અનેક લોકો ખુલ્લેઆમ સામે આવ્યા છે. હવે ધીમે ધીમે આંદોલન વિદેશો સુધી પણ પહોંચ્યુ છે. દુનિયાભરમાં રહેતા સિખ અને પંજાબી લોકો ખેડૂત આંદોલન સાથે જોડાઈ રહ્યા છે. આ દરમિયાન બ્રિટનના કેટલાક સાંસદોએ આ બિલને લઈને પીએમ મોદી સાથે ચર્ચા કરવાની વાત કરી છે. અત્રે નોંધનીય છે કે બ્રિટનના ભારતીય મૂળ અને પંજાબ સાથે સંબંધ રાખનારા ૩૬ સાંસદોએ કૃષિ બીલોને લઈને પીએમ મોદી સાથે આ મુદ્દો ઉઠાવવાની વાત કરી છે.

તેઓએ વિદેશ સચિવ રેબને લખ્યુ છે કે તેઓ ખેડૂતોના આંદોલનને લઈને મોદી સાથે ચર્ચા કરે. લેબર સાંસદ તનમનજીતે એક પત્ર લખી બેઠકની માંગણી કરી છે. જેમાં અન્ય સાંસદોની સહી છે. પત્રમાં જણાવાયુ છે કે ખેડૂતોનો મામલો ચિંતાનો વિષય છે.

બ્રિટીશ સાંસદ સોશ્યલ મીડીયા પર પણ ટિપ્પણી કરી રહ્યા છે. તેઓ ખેડૂતો સામે વોટર કેનન અને અશ્રુવાયુ છોડવાની ઘટનાનો પણ વિરોધ કરી રહ્યા છે.

થોડા સમય પહેલા કેનેડાના વડાપ્રધાને પણ આ નિવેદન કર્યુ હતુ તે અત્રે નોંધનીય છે.

(11:44 am IST)