મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

‘જ્યાં પ્રચાર માટે ગયા શાહ-યોગી,ત્યાં જ ભાજપનો પરાજય’ઓવૈસીનું એનાલિસિસ

ભાજપ ઉપર જ ડેમોક્રેટિક સ્ટ્રાઈક થઈ ગઈ. આંકડા સૌ કોઈની સામે જ છે

ગ્રેટર હૈદરાબાદ મ્યુન્સિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. 2016માં 4 સીટો જીતનાર ભાજપે આ વખતે 48 સીટો પર જીતનો ડંકો વગાડ્યો છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી 44 સીટો જીતવામાં સફળ રહી છે ચૂંટણીના પરિણામો બાદ અસદુદ્દીન ઓવાસીએ પત્રકાર પરિષદ સંબોધી અને પાર્ટીના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કર્યા. ઓવૈસીએ કહ્યું કે, “જ્યાં-જ્યાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ પ્રચાર કરવા ગયા, ત્યાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો.

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે,અમે ભાજપ વિરુદ્ધ લોકશાહી ઢબે લડીશું. અમને વિશ્વાસ છે કે, તેલંગાણાના લોકો રાજ્યમાં ભાજપનો વિસ્તાર થતો રોકશે. અમે AIMIMના ચૂંટાયેલા 44 કોર્પોરેટરો સાથે વાત કરીને શનિવારથી જ કાર્ય શરૂ કરવા કહ્યું છે.

ભાજપને આ એક વખત મળેલી સફળતા છે. તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આવી સફળતા નહીં મળે અમે આ ચૂંટણીમાં મહેનત કરી હતી અને હૈદરાબાદની જનતાએ જે નિર્ણય કર્યો, તે અમને મંજૂર છે.જ્યાં યોગી આદિત્યનાથ આવ્યા હતા, ત્યાં શું થયું? તેઓ સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરતાં હતા, પરંતુ હવે ભાજપ ઉપર જ ડેમોક્રેટિક સ્ટ્રાઈક થઈ ગઈ. આંકડા સૌ કોઈની સામે જ છે.”

 અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સૌથી હાઈપ્રોફાઈલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી GHMCના પરિણામો શુક્રવારે જાહેર થઈ ગયા. જેમાં ભાજપે ભવ્ય પ્રદર્શન  કરીને 48 બેઠકો પર વિજય મેળવીને બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જ્યારે ઓવૈસીની AIMIM પાર્ટી ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ છે.જ્યારે કેસીઆરની પાર્ટી TRS 56 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જ્યારે કોંગ્રેસના ફાળે 2 સીટો જ આવી છે. આમ આ વખતે કોઈ એક પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. 150 વોર્ડની GHMCમાં બહુમતનો આંકડો 75 છે.

અગાઉ 2016માં GHMC ચૂંટણીના આંકડા મુજબ TRS 150 વોર્ડમાંથી 99 સીટો પર જીત મેળવી હતી. જ્યારે અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 44 વોર્ડમાં જીત મેળવી હતી. જ્યારે ભાજપ 3 વોર્ડ અને કોંગ્રેસ માત્ર 2 વોર્ડમાં જ જીત પ્રાપ્ત કરી શકી હતી.

(10:00 am IST)