મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

લ્યો બોલો ! કુતરાના ૪૨ બચ્ચા માટે બે મહિલાઓ વચ્ચે થયો ખરાખરીનો જંગઃ બંને મહિલા પહોંચી પોલીસ સ્ટેશન

જોધપુર,તા. ૫: રાજસ્થાનના જોધપુરમાંથી એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ દંગ રહી જાય છે. હકીકતમાં શહેરમાં બે મહિલાઓ વચ્ચે ડોગીના ૪૨ બચ્ચાને લઈને લડાઈ થઈ ગઈ છે. જેમાં એક મહિલાએ બીજી મહિલા પર આરોપ લગાવ્યો છે કે, તે કુતરાને ૪૨ બચ્ચાને જબરદસ્તી લઈ જઈ રહી હતી. તો વળી બીજી મહિલાએ પણ પોતાના પક્ષ રજૂ કર્યો હતો. જો કે, બાદમાં આ આખોય મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.

કુતરાના ૪૨ બચ્ચાને લઈને શહેરમાં આ પ્રકારની જંગ થતાં શહેરીજનો પણ વિચારમાં પડી ગયા છે. આ મામલામાં એક પક્ષમાં રાતાનાડા વિસ્તારમાં સેન્ટ્રલ સ્કૂલ સ્કીમ વિસ્તારમાં રહેતી સંગીતા સુરાણા છે. તેનો આરોપ છે કે, એક મહિલા ડોગીના ૪૨ બચ્ચા જબરદસ્તી લઈ જઈ રહી છે. તો વળી જોધપુરના સેકટર ૭માં રહેતી રીમા મૈસીનું કહેવુ છે કે, તેણે ડોગીના આ ૪૨ બચ્ચાનો જીવ બચાવ્યો છે. તેને નગર નિગમના વાડામાંથી છોડાવ્યા છે.

સંગીતાએ દ પીપલ સંસ્થાને જણાવ્યુ હતું કે, અમુક લોકો આવ્યા અને તેના દ્યરેથી ડોગીના ૪૨ બચ્ચા જબરદસ્તી પોતાની સાથે લઈ ગયા હતા. તેથી આ બચ્ચા તેને પાછા આપવામાં આવે. જેના પર સંસ્થાના સંસ્થાપક મંજૂ સુરાણાએ રતાનાડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ પણ નોંધાવી છે. સંગીતાનું કહેવુ છે કે, જયાં સુધી આ ડોગીના બચ્ચા તેને પાછા નહીં મળે ત્યાં સુધી તે અન્ન એકેય દાણો નહીં લે.

(9:32 am IST)