મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

પત્નીએ ૧ કિલો બટેટા ૧ દિ'માં વાપરી નાખતા પતિની 'કમાન' છટકી : રસ્તા પર ધોલાઇ

પ્રયાગરાજની ઘટના : બટેટાનું શાક બનાવી નાખતા થયો ઝઘડો

પ્રયાગરાજ,તા.૫: હાલ શાકભાજીના ભાવમાં આગ લાગી છે. ડુંગળી હોય કે બટેટા, સામાન્ય માણસની થાળીની બહાર જતા દેખાય છે. જેની અસર લોકોની જિંદગી પર ખરાબ રીતે પડી છે. પ્રયાગરાજમાં એક વ્યકિતએ પોતાની પત્નીને એ કારણે મારી કારણકે તેણે વધારે બટેટા સમારીને શાક બનાવ્યું હતું. પતિનું કહેવું હતું કે તે ૩ દિવસ ચાલે એટલા માટે બટેટા ખરીદી લાવ્યો હતો અને પત્નીએ એક જ દિવસમાં વાપરી નાખ્યાં. માર મારવાના કારણે પત્નીને ગંભીર ઈજા થઈ છે. જેને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. જોકે, પત્નીની વિનંતી પરથી તેને છોડી મૂકયો હતો.

 કેન્ટ વિસ્તારમાં રહેતો કિશન રિક્ષા ચલાવીને પરિવારનું પેટ ભરે છે. કાલે તે બજારમાંથી એક કિલો બટેટા ખરીદીને ઘરે પહોંચ્યો હતો. શાકભાજીનો થેલો રુમમાં રાખીને તે હાથ-મોં ધોવા ગયો હતો.

જયારે તે પરત ફર્યો ત્યારે થેલો ખાલી હતો. પત્નીને પૂછ્યું તો તેણે કહ્યું કે, તેણે વટાણાં-બટેટાંનું શાક બનાવ્યું છે અને તેમાં બધા જ બટેટાં નાખ્યાં છે. તેવું સાંભળતા જ કિશનનો પારો ગરમ થયો અને પત્નીને ઢોરમાર માર્યો હતો. તે પત્નીને મારતા મારતા રસ્તા પર લાવ્યો હતો. માર મારવાથી પત્ની બેભાન થઈને પડી હતી. આસપાસના લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી.

કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર નીરજ વાલિયાએ જણાવ્યું કે મોંઘવારીથી પરેશાન રિક્ષા ચાલકે ગુસ્સામાં આવીને પત્નીની મારઝૂડ કરી હતી. સુનિતાને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. સ્વસ્થ થયા પછી કોઈ રીતની કાર્યવાહી ન કરવાની વાત કરી હતી. આ કારણે તેણે કિશનને છોડી મૂકયો હતો.

(9:31 am IST)