મુખ્ય સમાચાર
News of Saturday, 5th October 2019

ચાઇનીઝ સ્ટીલના ડમ્પિંગને લઇ ભારતીય ઉદ્યોગ ચિંતિત

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોર વધુ ગંભીર : અમેરિકાએ ચીની પ્રોડકટ ઉપર ટેરિફ વધારી દેતા ચીન દ્વારા સ્ટીલના જથ્થાને ભારતમાં ઘુસાડવા માટેના પ્રયાસો

નવી દિલ્હી, તા. ૫: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે ત્યારે ભારતીય ઉદ્યોગમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ભારતીય ઇન્ડસ્ટ્રી દ્વારા ચાઈનીઝ સ્ટીલના ડમ્પિંગને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે રક્ષણની સરકાર પાસેથી માંગ કરી છે. અમેરિકા દ્વારા વધતા જતાં ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે ચીનને પરેશાન કરવાના હેતુસર ચીની ચીજવસ્તુઓ ઉપર ટેરિફમાં જંગી વધારો કરી દેવામાં આવ્યા બાદ ચીન હવે ભારતીય બજારમાં સ્ટીલનો પુરવઠો ઝીંકી શકે છે. ભારતીય ઇન્ડસ્ટ્રી દ્વારા આ પ્રકારની ચિંતા વ્યક્ત કરીને સરકાર પાસેથી રક્ષણની માંગ કરી છે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહી છે.

અમેરિકા દ્વારા ચીની પ્રોડક્ટ ઉપર ટેરિફમાં વધારો કરાયા બાદ વળતા પગલારુપે ચીને પણ અમેરિકાની ચીજવસ્તુઓ ઉપર ટેરિફમાં વધારો કરી દીધો છે. આવી સ્થિતિમાં ભારતીય બજારમાં ચીનની પ્રોડક્ટ ઘુસવાની દહેશત રહેલી છે. ત્રણ સરકારી સુત્રો અને ચાર ઇન્ડસ્ટ્રી અધિકારીઓ દ્વારા આ મુજબની દહેશત વ્યક્ત કરવામાં આવી ચુકી છે. આના પરિણામ સ્વરુપે પહેલાથી જ ભારતીય સ્ટીલ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરક્ષા ડ્યુટી અને રક્ષણના ભાગરુપે સરકારને અપીલ કરી છે. ટ્રેડ બેલેન્સને ફિક્સ કરવા માટે રજૂઆત કરી છે. અમેરિકાએ ટ્રેડ બેલેન્સને ફિક્સ કરવાના ઇરાદા સાથે ચીની ચીજવસ્તુઓ ઉપર જંગી ટેરિફ લાદી દીધો છે. બંને દેશોએ એકબીજાની ચીજવસ્તુઓ પર ટેરિફમાં વધારો કરવા ચેતવણી આપી છે અથવા તો ટેરિફમાં જંગી વધારો કરી દીધો છે. આવી સ્થિતિમાં આ પ્રવાહ ભારતીય બજારમાં પહોંચી શકે છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું મોજુ ફરી વળે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. ચીન દ્વારા સ્ટીલની ક્ષમતા વધારવામાં આવી છે. વિયેતનામ, કમ્બોડિયા જેવા દેશો મારફતે ભારતીય બજારમાં તેના સ્ટીલના પ્રોડક્ટને ઘુસાડવાના પ્રયાસ ચીન દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ મામલાની માહિતી ધરાવનાર સરકારી સુત્રોએ આ અંગેની વાત કરી છે. સ્ટીલ સેક્ટર ખુબ જ સંવેદનશીલ છે જેથી આ મામલે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવાની જરૂર છે. વિશ્વના બીજા સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક દેશ તરીકે છાપ ધરાવનાર ભારત ૩૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે પુરા થયેલા વર્ષમાં આયાતકાર દેશ બની જતાં અર્થશાસ્ત્રીઓમાં ચિંતા જોવા મળી હતી. દેશમાં હાઈક્વોલિટીના સ્ટીલના ઉત્પાદનની ક્ષમતા ઘટી ગઈ છે જેથી ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા પાસેથી સસ્તી નિકાસ કરવાની યોજના તૈયાર કરાઈ છે. ચીન, જાપાન અને કોરિયા દ્વારા અમેરિકાને મુખ્યરીતે સ્ટીલનો જથ્થો નિકાસ કરવામાં આવે છે.  ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર ઉપર વિશ્વની નજર છે.

(3:31 pm IST)