મુખ્ય સમાચાર
News of Thursday, 5th September 2019

શિવકુમાર મુશ્કેલીમાં : ૧૩મી સપ્ટેમ્બર સુધી ઇડી કસ્ટડીમાં

શિવકુમારની ધરપકડ બાદ કર્ણાટકમાં વ્યાપક હિંસા : શિવકુમારની ધરપકડ કરાયા બાદ દિલ્હીની કોર્ટમાં રજૂ કરાતા ઇડીની કસ્ટડીમાં રાખવા માટેનો કરાયેલો આદેશ

બેંગલોર,તા. ૪ : દિલ્હી કોર્ટે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના ચાણક્ય ગણાતા ડીકે શિવકુમારને આજે ૧૩મી સપ્ટેમ્બર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મની લોન્ડરિંગ કેસમાં ડીકે શિવકુમાર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ બાદ હવે શિવકુમારની મુશ્કેલી પણ વધી ગઈ છે. સ્પેશિયલ જજ અજયકુમાર દ્વારા આજે આ આદેશ આપવામાં આવ્યો હતો. ઇડી દ્વારા શિવકુમારના ૧૪ દિવસના કસ્ટોડિયલ પુછપરછ માટેની માંગ કરી હતી અને કહ્યું હતું કે, શિવકુમાર કરચોરીમા સામેલ છે. તપાસમાં સહકાર કરી રહ્યા નથી. તેમની આવકમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઇડીની દલીલોને ફગાવી દઈને શિવકુમારના વકીલે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાની એજન્સી દ્વારા પહેલાથી જ ૩૩ કલાક સુધી પુછપરછ થઇ ચુકી છે. શિવકુમારની મંગળવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો અને ત્યારબાદ હિંસાની શરૂઆત થઇ હતી. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લાવવામાં આવ્યા બાદ તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ૫૭ વર્ષીય શિવકુમારના કેસને અભિષેક મનુ સિંઘવી અને ડાયન ક્રિષ્ણન લડી રહ્યા છે. અગાઉ મની લોન્ડરિંગના કેસમાં મોડી રાત્રે શિવકુમારની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ કોંગ્રેસના સમર્થકો વ્યાપક હિંસા પર ઉતરી ગયા હતા.

          બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આજે સમગ્ર કર્ણાટકમાં બંધની જાહેરાત કરી હતી. ધરપકડ કરવામાં આવ્યા બાદ શિવકુમારને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. શિવકુમારની ધરપકડ કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકરોએ ભારે તોડફોડ મચાવી હતી. અનેક વાહનોને સળગાવી દીધા હતા. દેખાવકારોએ અનેક બસને નુકસાન કર્યુ હતુ. બીજી બાજુ રામનગરના ડીસીએ તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કુલોમાં તેમજ કોલેજમાં આજે બંધની જાહેરાત કરી હતી. કેટલાક દેખાવકારોની અટકાયત પણ કરવામાં આવી હતી. શિવકુમારની ધરપકડ કરવામાં આવ્યા બાદ સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ભારે નારાજ દેખાઇ રહ્યા છે. મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસી નેતાની ધરપકડના વિરોધમાં દેખાવકારોએ કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોને ટાર્ગેટ બનાવી હતી. હરોહલ્લી ડિપોની એક બસને આગ ચાંપી દેવામાં આવી હતી. આ બસને આગ ચાંપી દેવામાં આવ્યા બાદ ભારે નુકસાન થયુ છે.

            રામનગર ડિવીઝનની પાસે કુલ ૧૦ બસમાં તોડફોડ કરવામાં આવી હતી. સમર્થકોએ સાત વખતના ધારાસભ્ય અને પૂર્વ ઉર્જા પ્રધાન ડીકેની ધરપકડ કરવામાં આવ્યા બાદ નારાજગી વ્યક્ત કરી હતી. સાવચેતીના પગલા રૂપે રામનગરના ડીસીએ તમામ સરકારી અને ખાનગી સ્કુલો તેમજ કોલેજમાં રજાની જાહેરાત કરી દીધી હતી. કોઇ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે વિવિધ પગલા પણ લેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓ દ્વારા શિવકુમારનુ સમર્થન કરવામાં આવ્યુ છે. હિંસાની ઘટનાઓને ધ્યાનમાં લઇને કર્ણાટક પોલીસે તમામ જગ્યાએ મોરચા સંભાળી લીધા હતા. શિવકુમારના સમર્થકો બેંગલોર-મેસુર-રોડ પર દેખાવો કરવા માટે બહાર આવી ગયા હતા. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ રાવે ડીકે શિવકુમારના સમર્થનમાં ઉતરીને તેમની ધરપકડને અયોગ્ય ગણાવીને મોદી સરકારની ટિકા કરી હતી.

પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને દિનેશ રાવે કહ્યુ હતું કે બદનામ કરવા, બ્લેકમેઇલ કરવા તેમજ ધમકાવવાના ઇરાદા સાથે મોદી સરકાર પોતાના વિરોધીઓને ટાર્ગેટ બનાવી રહી છે. અમે ડીકે શિવકુમારની સાથે ઉભા છીએ. અમે પૂર્ણ તાકાતની સાથે ભારતીય જનતા પાર્ટીની હિટલરશાહી સામે લડવા જઇ રહ્યા છીએ. તબિયત ખરાબ થયા બાદ ડીકે શિવકુમારને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(12:00 am IST)