મુખ્ય સમાચાર
News of Thursday, 5th September 2019

પંજાબ : ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટ, ૧૯થી વધુના મોત

૩૦થી વધુ લોકો બ્લાસ્ટમાં ઘાયલ થઇ ગયા : બચાવ-રાહત કામગીરી તરત હાથ ધરાઈ : ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હજુય હાલત ગંભીર : આઘાતનું મોજુ

ગુરદાસપુર,તા.૪ : પંજાબના ગુરદાસપુરના બટાલામાં આજે ફટાકડાની ફેક્ટ્રીમાં ભીષણ આગ ફાટી નિકળ્યા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં હજુ સુધી ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મોતનો આંકડો વધે તેવી શક્યતા છે કારણ કે, ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બ્લાસ્ટ અંગે માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો અને બચાવ ટુકડી તરત ઘટના સ્થળે પહોંચી હતી. આગ ફાટી નિકળ્યા બાદ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કલાકો સુધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ આસપાસના વિસ્તારમાં ધુમાડાના વાદળો ઘેરાઈ જવાના કારણે બચાવ અને રાહત કામગીરીમાં અડચણો આવી હતી.

             બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે બનાવ અંગે દુખની લાગણી વ્યક્ત કરી હતી. સુત્રોના કહેવા મુજબ પાંચમી સપ્ટેમ્બરના દિવસે એટલે કે આવતીકાલે એક લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે ફેક્ટ્રીમાં મોટાપાયે ફટાકડાઓ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ ગાળા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે તરત આગ ફાટી નિકળી હતી. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ મોટી ખુવારીને ટાળવા માટે સૌથી પહેલા પ્રાથમિકતા રાખવામાં આવી હતી. ભીષણ બ્લાસ્ટ બાદ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. ડીસી અને એસએસપીના નેતૃત્વમાં બચાવ ટુકડી પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ગુરદાસપુરમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સની દેઓલે પણ ઘટના અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. સની દેઓલે ટ્વિટ કરતા કહ્યું છે કે, ફેક્ટ્રીમાં થયેલા બ્લાસ્ટના સમાચાર સાંભળીને દુખ થયું છે.

(12:00 am IST)