મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSFએ જપ્ત કર્યું 1700 ગ્રામ સોનુ : તૂટેલી સાઈકલ પર જતા વ્યક્તિ પાસેથી મળ્યા સોનાના બિસ્કિટ

બાંગ્લાદેશ સરહદેથી ઝડપાયેલ શખ્શ બસીરહાટનો રહેવાસી: સોનાને કોલકાતાના બડા બજારમાં લાવવાની યોજના હતી

કોલકતા :  સાદી દેખાતી તૂટેલી સાયકલ પર જનાર વ્યક્તિ પાસેથી 1700 ગ્રામ સોનુ ઝડપાયું છે પશ્ચિમ બંગાળમાં ગુપ્ત માહિતીના આધારે BSFના જવાનોએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર 86.61 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. આ સાથે બાંગ્લાદેશથી સોનાની દાણચોરી કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ ગોપાલ સરકાર તરીકે થઈ છે. તે બસીરહાટનો રહેવાસી હોવાનું કહેવાય છે. સોનાના બિસ્કિટનું વજન 1 કિલો 700 ગ્રામ છે.

બીએસએફ અધિકારીનું કહેવું છે કે, તેને બડાબજાર લાવવાની યોજના હતી અને તે પછી તે કોલકાતાના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા માટેની તૈયારી હતી. પરંતુ તે પહેલા સોનાના જવાનો દ્વારા દાણચોરની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે સોનાના બિસ્કિટ બાંગ્લાદેશના ભોમરા ગામના રહેવાસી ફિરોઝ ગાઝી પાસેથી લીધા હતા. જે તેને બસીરહાટના રહેવાસી વિશ્વનાથને આપવાના હતા.

 

બીએસએફ બટાલિયન નંબર 153 અન્ય દિવસોની જેમ બસીરહાટમાં ભારત-બાંગ્લાદેશ ઘોજાડાંગા સરહદ પર ઉત્તરપરામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. 48 વર્ષીય ગોપાલ સરકાર તે સમયે પોતાની સાયકલના હેન્ડલ પર બેગ લટકાવીને જઈ રહ્યો હતો. સૈનિકોએ તેની પૂછપરછ શરૂ કરી. પૂછપરછથી તે ગભરાઈ ગયો હતો. સૈનિકોએ તેની બેગ તપાસી તો બેગમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.

ગોપાલ પાસેથી 11 સોનાના બિસ્કિટ, એક સાઈકલ અને 1,400 ભારતીય રૂપિયા મળી આવ્યા હતા. પૂછપરછ મુજબ ગોપાલનું ઘર નજીકના પાનીતાર ગામમાં છે. બોર્ડર ગાર્ડ્સ તેની અને આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરી વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.

બીએસએફના જણાવ્યા અનુસાર, આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે સોનાના બિસ્કિટ બાંગ્લાદેશના ભોમરા ગામના રહેવાસી ફિરોઝ ગાઝી પાસેથી લીધા હતા. જે તેને બસીરહાટના રહેવાસી વિશ્વનાથને આપવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ એ પણ કહ્યું કે સોનાના બિસ્કિટ બારાબજાર અને કોલકાતાના અન્ય વિસ્તારોમાં મોકલવાના હતા. આરોપી અને સોનાના બિસ્કિટ ઘોજાડાંગા ખાતે કસ્ટમ વિભાગની કચેરીને સોંપવામાં આવ્યા છે.

(12:51 am IST)