મુખ્ય સમાચાર
News of Wednesday, 5th August 2020

અભિજિત મુર્હુતમાં શ્રીરામ મંદિર નિર્માણના શ્રીગણેશ

૪૯૨ વર્ષની પ્રતિક્ષાનો આખરે આવ્યો અંત : વડાપ્રધાન મોદીએ ભવ્ય રામમંદિર માટે ભૂમિપૂજન કરી : મંદિર નિર્માણનો કર્યો શિલાન્યાસ : જય જય શ્રીરામ અને હરહર મહાદેવની ગુંજ : અવધમાં આસ્થાનું મોજુ : ભારતીય પરંપરાગત પોષાકમાં વડાપ્રધાને રામલલ્લાના કર્યા દર્શન : આરતી ઉતારી : હનુમાનગઢીના દર્શન પણ કર્યાઃ પરિજાતનું વૃક્ષારોપણ : કાશીના ૩ વિદ્વાનોએ ભૂમિપૂજનનું અનુષ્ઠાન કરાવ્યું : ચાંદીની શીલા મુકાઇ : આદિત્યનાથ, આનંદીબેન, મોહન ભાગવત સહિત ૧૭૫ ગણમાન્ય હસ્તીઓની ઉપસ્થિતિ : કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન

અયોધ્યા તા. ૫ : ૪૯૨ વર્ષ બાદ આખરે આજે શુભ ઘડી આવી પહોંચી છે. અયોધ્યામાં ભવ્ય શ્રી રામજન્મ ભૂમિ મંદિર નિર્માણની પાંચ સદીથી ચાલી આવતી પ્રતિક્ષા સમાપ્ત થવાની ઐતિહાસિક ઘડી આજે આવી પહોંચી છે. આજે શુભ મુર્હુત ૧૨ વાગ્યે ૧૫ મિનિટ ૧૫ સેકન્ડ પર પી.એમ. મોદીના હસ્તે શ્રીરામ જન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ માટેના ભૂમિપૂજન માટે ઔપચારિક સ્વરૂપથી મંદિર નિર્માણ કાર્યના શ્રીગણેશ થયા હતા. આ સાથે જ કરોડો રામ ભકતોની પ્રતિક્ષા સાથે જ તેમની તમામ આશંકાઓ અને અસમંજસ પણ સમાપ્ત થઇ છે. એવા હજારો દિવંગત આત્માઓને પણ શાંતિ મળી છે. જેઓ આ સ્થળ પર ભવ્ય રામ મંદિર નિર્માણના સંકલ્પ અને સપનાને સાકાર કરવાની પ્રતિક્ષા કરતા કરતા સંસારમાંથી ચાલ્યા ગયા હતા. હવે લોકોની પ્રતિક્ષા રહેશે તો માત્ર એ ઘડીની કે મંદિર નિર્માણ પૂર્ણ થયા બાદ રામ લલ્લા પોતાના મૂળ સ્થળ પર કયારે બિરાજમાન થશે. મંદિર નિર્માણની શરૂઆત માત્ર રામ ભકતોની જ નથી એ શિલાઓ

અને પથ્થરોની પ્રતિક્ષા પણ સમાપ્ત થઇ છે જે અનેક દાયકાઓથી રામ મંદિરમાં પ્રતિક્ષા કરીને બેઠા છે. આજે ઐતિહાસિક પળના સાક્ષી બન્યા છે રાજ્યપાલ આનંદીબેન પટેલ, સી.એમ. યોગી આદિત્યનાથ, સંઘના પ્રમુખ મોહન ભાગવત, શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ સહિતની અનેક હસ્તીઓ.

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું સ્વપ્નું આજે સાચું થયું છે. પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાતની શરૂઆત હનુમાનગઢીના દર્શન કરીને કરી ત્યારબાદ તેઓ રામજન્મભૂમિ પર બિરાજમાન રામલલ્લાના દર્શન કર્યા અને આરતી ઉતારી. કાશીના પ્રખર વિદ્વાનોએ ભૂમિપૂજનનું અનુષ્ઠાન શરૂ કરાવ્યું અને પીએમ મોદીને યજમાન તરીકેનો સંકલ્પ અપાવ્યો. ગણેશ પૂજનની સાથે ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થયો હતો.

આજે બપોરે અભિજિત મુર્હુતમાં વડાપ્રધાન મોદીના હસ્તે ચાંદીની શિલાઓ મુકીને રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ એ મુર્હુત છે કે જ્યારે ભગવાન શ્રીરામે એ મુર્હુતમાં જન્મ લીધો હતો. ભૂમિપૂજન એ જ મુર્હુતમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાને પાંચ નક્ષત્રોથી કંડારાયેલ પાંચ ચાંદીની શિલાઓ સહિત કુલ ૯ શિલાઓ રાખી હતી. આ સમગ્ર સમારોહ ૪૮ મિનિટ સુધી ચાલ્યો. અભિજીત મુર્હુતમાં ભૂમિપૂજન અને શિલા પૂજન પૂર્ણ થયા બાદ મોદીએ સાક્ષાત દંડવત કરીને દેશની પ્રગતિ અને કોરોનાના નાશનું વરદાન ભગવાન શ્રીરામ પાસેથી માગ્યું. ભૂમિપૂજનના કાર્યક્રમ દરમિયાન હરહર મહાદેવ... જયશ્રી રામ... અને ભારત માતાકી જયના નારા લાગ્યા.

પીએમ મોદી રામ ભૂમિપૂજન માટે અયોધ્યા પહોંચ્યા ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભૂમિ પૂજન સ્થળ પર જતા પહેલા પીએમ મોદીએ હનુમાનગઢી મંદિરમાં પરંપરાગત વિધિથી આરતી અને પ્રદક્ષિણા કરી હતી. રામલાલાના દર્શન પહેલા હનુમાનગઢી મંદિરમાં પૂજા કરવાની માન્યતા પણ છે.

હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારીએ વડાપ્રધાન મોદીને સાફો અને ચાંદીનો તાજ પહેરાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને માસ્ક અને સામાજિક અંતરની પણ સંપૂર્ણ કાળજી હનુમાનગઢી અયોધ્યાના મધ્યમાં આવેલું ભગવાન હનુમાનનું વિશાળ મંદિર છે. એવું માનવામાં આવે છે કે સૌ પ્રથમ અયોધ્યામાં કોઈપણ આવે તો તેણે શ્રીરામ પહેલા હનુમાનગઢી મંદિરમાં બજરંગબલીના આશીર્વાદ લેવા જોઈએ અને પછી બીજા મંદિરમાં જવું જોઈએ. હનુમાનગઢીની મુલાકાત બાદ પીએમ મોદી ભૂમિપૂજન માટે પહોંચ્યા તેમણે રામલલ્લા સમક્ષ પણ પ્રણામ કર્યા. તેઓ અહીં દંડવત પ્રણામ કરતાં જોવા મળ્યા હતા. તેઓ થોડી મિનિટ સુધી પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા અને પછી શિલાન્યાસ માટે રવાના થયા.

અહીં વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજયપાલ આનંદીબેન પટેલ, સંઘ સંચાલક મોહન ભાગવત પૂજામાં બેઠા હતા. શાસ્ત્રોકત મંત્રોચાર સાથે પૂજા કર્યા બાદ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પૂજાના અંતે વડાપ્રધાને મંદિરની માટીને પોતાના કપાળે લગાવી અને ઈંટ મુકી ભૂમિ પૂજન સંપન્ન કરાવ્યું. આ તકે મંદિર પરીસર શ્રીરામ ધૂન સાથે ગુંજી ઉઠ્યું હતું.

અયોધ્યામાં મંદિર નિર્માણના શુભારંભ સાથે જ સમગ્ર અયોધ્યા રામમય બની ગયું છે. સમગ્ર હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂમિ પૂજન સાથે જ હરિ સંકિર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કાશી, અયોધ્યા, દિલ્હી અને પ્રયાગથી વિદ્વાનો આવ્યા હતા. આજે અયોધ્યામાં આસ્થાનો નવો સૂર્યોદય થયો હોવાનું જણાય રહ્યું છે. ધર્મનગરીના માર્ગો અને ગલીઓમાં રામ ચરિત માનસની ચોપાઇ ગુંજી રહી છે. વિવિધ આશ્રમો અને મંદિરમાં સંતોની સાથે શ્રધ્ધાળુઓ રામ ધૂનનું ગાયન કરી ભાવવિભોર થઇ રહ્યા છે. એવું લાગે છે કે જાણે દિવાળી હોય કે હોળીનું પર્વ હોય. સમગ્ર અયોધ્યા રામમય બની ગયું છે અને શહેરે અનોખા શણગાર સજ્યા છે.

કોરોના મહામારીને કારણે ભૂમિપૂજનના કાર્યક્રમમાં ૧૭૫ મહેમાનો જ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યા આવનાર મહેમાનને ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં રામ દરબાર અને તિર્થ ક્ષેત્રનું પ્રતિક અંકિત થયેલું છે.

વડાપ્રધાન આજે અહિં આવ્યા હોવાથી સમગ્ર અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અયોધ્યા આવતી તમામ કારનું ઘનિષ્ઠ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મંદિર સ્થળ પર એનએસજી કમાન્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. આજે વડાપ્રધાન અયોધ્યામાં આવ્યા તે પછી તેઓ હનુમાનગઢી ગયા હતા અને મંદિર સ્થળની પણ મુલાકાત લીધી હતી. તેમણે ખાસ પોસ્ટલ ટિકિટ પણ બહાર પાડી હતી.

હિંદુઓ માટે શુભ ગણાતા પીળા રંગથી રસ્તા પરની દુકાનોને રંગવામાં આવી છે અને આખા અયોધ્યામાં લાઉડસ્પીકર પરથી જયશ્રી રામનો અવાજ સંભળાય છે. (૨૧.૩૪)

રામ મંદિર માટે ભૂમિપૂજન કરી પીએમ મોદીએ એક સાથે બનાવ્યા ૩ રેકોર્ડ

અયોધ્યા : આજે બપોરે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી વડાપ્રધાન મોદીએ ૩ રેકોર્ડ બનાવ્યા : પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ જનારા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા : આ પહેલા પદ પર રહેતા કોઇપણ નેતાએ રામ જન્મભૂમિની યાત્રા નથી કરી : આ સિવાય આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે દેશના કોઇ વડાપ્રધાને અયોધ્યાના હનુમાન ગઢીના દર્શન કર્યા હોય : મોદી સૌ પહેલા હનુમાન ગઢીના મંદિરે ગયા અને આરતી ઉતારી હતી : જ્યાં પુજારીએ મોદીને મુગટ અને રામનામથી સ્વાગત કર્યુ હતું : ભવ્ય રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કરવાની સાથે જ મોદીનું નામ દેશની સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણના પ્રતિક કોઇ મંદિરના શુભારંભ કાર્યક્રમમાં હિસ્સો લેનારા પહેલા વડાપ્રધાન બન્યા છે : આ પહેલા સોમનાથ મંદિરના જિર્ણોધ્ધાર અને પુનઃનિર્માણના કાર્યક્રમથી દેશના પહેલા વડાપ્રધાન નહેરૂએ ખુદને અલગ રાખ્યા હતાં

ભૂમિપૂજન કરાવનાર પંડિતજીએ પીએમ મોદી પાસે શું દક્ષિણા માંગી ?

અયોધ્યા : શ્રીરામ જન્મભૂમિ ખાતે મંદિર નિર્માણના ભૂમિપૂજન વિધી કરાવનાર પંડિતજી પણ આજના ઐતિહાસિક પળને લઇને અત્યંત ખુશ હતા : જ્યારે દક્ષિણાની વાત આવી તો પંડિતજીએ કહ્યુ હતું કે કોઇપણ યજ્ઞમાં દક્ષિણા જરૂર હોય છે : આવા યજમાન અમને કયાં મળશે ? યજ્ઞની પત્નીનું નામ દક્ષિણા છે, યજ્ઞરૂપી પુરૂષ અને દક્ષિણારૂપી પત્નીના સંયોગથી એક પુત્રની ઉત્પતિ થાય છે જેનું નામ છે ફળ : પંડિતજીએ આગળ કહ્યુ હતું કે દક્ષિણા તો એટલી આપવામાં આવી છે કે અબજો આશિર્વાદ તેમને પ્રાપ્ત થશે : કેટલીક સમસ્યાઓ છે ભારતમાં હજુ પણ, જેને દૂર કરવાનો પીએમએ સંકલ્પ લીધો છે, પાંચ ઓગષ્ટમાં સોનામાં સુગંધ થઇ જાય થોડી અને તેમાં જોડાઇ જવાય તો ભગવાન સીતારામની કૃપા : આ પહેલા પણ પંડિતજીએ કહ્યુ હતું કે મારૃં સૌભાગ્ય છે કે આ પ્રકારના યજમાન મળ્યા : કદાચ તેમનો જન્મ જ આ કામ માટે થયો છે

(3:21 pm IST)