મુખ્ય સમાચાર
News of Tuesday, 5th July 2022

ભારતીય નૌકાદળમાં મહિલા અગ્નિવીર માટે 20 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે

નૌકાદળના કો-ચીફ એડમિરલ એસએન ઘોરમાડેએ કરી જાહેરાત : ગ્નિપથ યોજના હેઠળ કુલ 3000 પદો માટે અગ્નિવીરોની પસંદગી થશે જેમાં કુલ 600 પોસ્ટ મહિલાઓ માટે હશે.

નવી દિલ્હી : ભારતીય નૌકાદળમાં મહિલા અગ્નિવીર માટે 20 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે. નૌકાદળના કો-ચીફ એડમિરલ એસએન ઘોરમાડેએ આ જાહેરાત કરી હતી. ભારતીય નૌકાદળમાં અગ્નિપથ યોજના હેઠળ કુલ 3000 પદો માટે અગ્નિવીરોની પસંદગી થવાની છે. આવી સ્થિતિમાં કુલ 600 પોસ્ટ મહિલાઓ માટે હશે.

  રાજધાની દિલ્હીમાં એક મીડિયાને સંબોધતા નૌકાદળના કો-ચીફે સ્પષ્ટ કહ્યું કે મહિલા-અગ્નવીર ભારતીય નૌકાદળમાં જોડાશે. તેમની તૈનાતી નેવલ બેઝથી યુદ્ધ જહાજ સુધી જશે

  આ રીતે પહેલીવાર મહિલાઓને નેવીમાં નાવિક બનવાની તક આપવામાં આવી રહી છે. અત્યાર સુધી, મહિલાઓ નૌકાદળમાં અધિકારીના હોદ્દા પર હતી પરંતુ નાવિકના હોદ્દા પર ન હતી. અગ્નિપથ યોજના હેઠળ 20 ટકા મહિલા-અગ્નિવીરોને નાવિક બનવાની તક મળશે. નેવીમાં અગ્નિવીર બનવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 1લી જુલાઈથી શરૂ થઈ ગયું છે. જાણકારી અનુસાર, અગ્નિપથ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10 હજાર મહિલાઓએ નેવીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની નોંધણી સમાપ્ત થઈ ગઈ છે. 24 જૂનથી 5 જુલાઈ સુધી (એટલે કે મંગળવારે સવારે 10 વાગ્યા સુધી) અગ્નિપથ યોજના હેઠળ 7 લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધનીય છે કે આ વર્ષે વાયુસેનામાં કુલ 3000 અગ્નિવીરની જગ્યાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દર વર્ષે લગભગ એટલી જ સંખ્યામાં ઉમેદવારો એરમેન બનવા માટે અરજી કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી એરફોર્સમાં કોઈ ભરતી ન હોવાથી આ વર્ષે થોડી વધુ અરજીઓ આવી છે.

આર્મીની પ્રથમ ભરતી રેલી 10 ઓગસ્ટે લુધિયાણા અને બેંગલુરુમાં યોજાશે. માહિતી અનુસાર, ભારતીય સેનાના 73 આર્મી રિક્રુટમેન્ટ ઓફિસમાંથી 40 એટલે કે AROએ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. બાકીના 33 પણ આ સપ્તાહ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરશે.

(11:48 pm IST)