મુખ્ય સમાચાર
News of Sunday, 5th July 2020

કાશ્મીરમાં એક જ દિવસમાં ૪૦ સીઆરપીએફ જવાનોને કોરોના થતા ફફડાટ

નવા રર૭ કેસ નોંધાયા : ૧ર૭ લોકોનો કોરોનાએ ભોગ લીધો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શનિવારનાં રોજ 40 CRPF કર્મીઓ સહિત 227 લોકો કોવિડ-19થી સંક્રમિત થયા છે. આ નવા કેસની સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 8,246 સુધી પહોંચી ગઇ છે. જ્યારે સંક્રમણને કારણે કુલ 8 લોકોનાં મોત થયાં છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 127 સુધી પહોંચી ગઇ છે. કોરોનાનાં જે નવા કેસ જમ્મુ-કાશ્મીરમાં રિપોર્ટ કરવામાં આવ્યાં છે તેમાંથી વધારે કાશ્મીર ઘાટી સાથે જોડાયેલાં છે.

અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, કાશ્મીરમાં છેલ્લાં 24 કલાકમાં મરનારા તમામ 8 લોકો કાશ્મીરથી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ-19ને કારણ અત્યાર સુધી 127 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. કુલ મોતમાંથી 14 જમ્મુમાં અને 113 કાશ્મીર ક્ષેત્રમાં થયાં છે. એવામાં છેલ્લાં 24 કલાકમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ-19નાં નવા 227 કેસ સામે આવ્યાં. જેમાંથી 30 જમ્મુ ક્ષેત્રમાંથી, જ્યારે 197 ઘાટીમાંથી સામે આવ્યાં છે. નવા કેસમાં ઘાટીની જુદી-જુદી CRPF બટાલિયનનાં 40 જવાનો પણ શામેલ છે.

5143 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ

કેન્દ્રશાસિત પ્રદેશમાં હવે સારવાર લઇ રહેલાં દર્દીઓની સંખ્યા 2,976 છે, જ્યારે સંક્રમણથી કુલ 5143 દર્દીઓ સ્વસ્થ થયાં છે. શનિવારનાં સાંજનાં રિપોર્ટ અનુસાર 24 કલાકમાં પાંચ જિલ્લાઓ – ગાંદરબલ, કઠુઆ, રામબન, રિયાલી અને કિશ્તવાડમાં કોઇ પણ નવા કેસ સામે નથી આવ્યાં.

6524 કેસ કાશ્મીર ઘાટીમાં

શનિવારનાં રોજ સામે આવેલા સંક્રમણનાં નવા કેસ સાથે, જમ્મુ-કાશ્મીરમાં કુલ કેસની સંખ્યા વધીને 8,246 થઇ ગઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે, “આમાંથી 6524 કેસ કાશ્મીરમાં આવ્યાં છે જ્યારે 1,722 કેસ જમ્મુમાંથી આવ્યાં છે.”

(4:13 pm IST)