મુખ્ય સમાચાર
News of Thursday, 5th July 2018

મુસ્લિમ મહિલાના ડોકયુમેન્ટ લઇ અન્ય મહિલા બુરખો પહેરી લોન લઇ આવી

ઓળખપત્ર ફોટોની નકલ અજાણી વ્યકિતને સોંપતા પહેલા વિચારજો

અમદાવાદ તા. ૫ : ગુજરાત હાઈકોર્ટે સાડા છ લાખ રૂપિયાની બેન્ક લોન ઉચાપત કેસમાં એક વિધવા મહિલાના જામીન મંજૂર કર્યા છે. આ મહિલાની રજૂઆત હતી કે તેણે આપેલા ફોટો અને આઈડીપ્રૂફનો ખોટો ઉપયોગ કરી અને તેની જગ્યાએ બુરાખાધારી અન્ય કોઈ મહિલાને બેન્કમાં રજૂ કરી કુલ સાડા છ લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી. આ લોન ભરપાઈ ન થતા બેન્કે આ મહિલા વિરૂદ્ઘ કેસ નોંધાવ્યો હતો.

વડોદરામાં રહેતી ૪૦ વર્ષીય મુસ્લિમ વિધવા મહિલાએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેણે વર્ષ ૨૦૧૭માં જૂનુ ટુ-વ્હીલર લેવા માટે આઇડેન્ટિટી પ્રૂફની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટો અને અન્ય દસ્તાવેજ જૂના વાહનોની લે-વેચ કરતા એક એજન્ટને આપ્યા હતા. આ એજન્ટ અને તેના પુત્ર-પુત્રવધૂએ સાથે મળી અલગ-અલગ દસ લોન એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાંથી ચાર ટુ-વ્હીલર અને બાકીના વાહનો ખરીદાયા હતા.

આ દસ લોન એકાઉન્ટ પૈકી બે લોન એકાઉન્ટ અરજદાર મહિલાના ડોકયુમેન્ટ આપી ખોલવામાં આવ્યા હતા. લોનના દસ્તાવેજ પર સહી કરવા સમયે બેન્ક અધિકારી પાસે બુરખાધારી મહિલા આવી હતી, આ બુરખાધારી મહિલા પોતે ન હોવાનો અરજદાર મહિલાનો દાવો હતો. આ દસેય લોન ભરપાઈ ન થતા મુખ્ય આરોપીઓ સાથે અરજદાર મહિલાના નામે પણ ફરિયાદ નોંધાઈ હતી. મુખ્ય આરોપીઓના નામે કુલ ૩૮ લાખ રૂપિયાની બેન્ક લોનની ઉચાપતનો ગુનો નોંધાયો હતો અને તે પૈકી બે લોન ખાતા અરજદાર મહિલાના હોવાથી તેના નામે કુલ સાડા છ લાખ રૂપિયાની બેન્ક લોન ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. હાઈકોર્ટે અરજદારની રજૂઆત અને તેની પરિસ્થિતિને ધ્યાને લઈ જામીન મંજૂર કર્યા હતા.(૨૧.૧૧)

 

(11:36 am IST)