મુખ્ય સમાચાર
News of Thursday, 5th July 2018

દિલ્હીમાં હજુય અધિકારોનો જંગ ચાલુઃ ડેપ્યુટી સીએમના આદેશોને માનવા ઓફિસરોનો ઈન્કાર

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ મોકલેલી ફાઈલ ઓફિસરોએ પરત કરી દીધીઃ આદેશને માનવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ હજુ દિલ્હીમાં ઉકળતો ચરૂ

નવી દિલ્હી, તા. ૫ :. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હીમાં ચાલતી અધિકારો અંગેની લડાઈ પુરી થઈ જશે એવુ જણાતુ હતુ પરંતુ મામલો હજુ શાંત પડયો નથી. ફેંસલાના થોડા કલાકોની અંદર જ ફરીથી અધિકારોની તકરાર શરૂ થઈ ગઈ હતી. સર્વિસીસ વિભાગે નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયાએ મોકલેલી ફાઈલોને પરત કરી દીધી હતી. ભલે સુપ્રીમ કોર્ટે દિલ્હીના એલજી અને સીએમના અધિકારોની વહેંચણીની રેખા ખેંચી હોય પરંતુ લાગે છે કે ખેલ હજુ બાકી છે. જેની શરૂઆત ગઈકાલે જ થઈ હતી. દિલ્હીના એક સરકારી બાબુએ મનિષ સીસોદીયાના આદેશ પર તેનો સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. દિલ્હીના સર્વિસીસ વિભાગ એટલે કે ઓફિસરોના ટ્રાન્સફર, પોસ્ટીંગ અને સેવા સાથે જોડાયેલા વિભાગના  સચિવે મનિષ સીસોદીયાનો આદેશ પરત કર્યો હતો. સીસોદીયાના આદેશને ન માનવા પાછળ બે તર્ક આપવામાં આવ્યા છે. એક તો સુપ્રીમ કોર્ટના આદેશમાં કયાંક પણ ઓગષ્ટ ૨૦૧૬ના જાહેરનામાને રદ નથી કરવામાં આવ્યો અને બીજુ એ છે કે આ જાહેરનામામાં ઓફિસરના ટ્રાન્સફર અને પોસ્ટીંગનો અધિકાર ઉપરાજ્યપાલ કે મુખ્ય સચિવ પાસે છે.

સરકારી અધિકારીઓએ સીસોદીયાના આદેશને એ આધાર પર પરત કર્યો હતો કે તે કાનૂની રીતે ખોટુ છે. દિલ્હી સરકારમાં કાર્યરત વરિષ્ઠ ઓફિસરોએ દાવો કર્યો છે કે, સેવા સંબંધી મામલાઓ હજુ પણ ઉપરાજ્યપાલના કાર્યાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે કારણ કે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એક અધિકારીએ જણાવ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટની નિયમીત પીઠ સેવા અંગેના મામલાઓ અને અન્ય મુદ્દે અંતિમ નિર્ણય લેશે. એક અન્ય અધિકારીએ દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે ગૃહ મંત્રાલયના મે ૨૦૧૫ના જાહેરનામાને રદ નથી કર્યો. જે અનુસાર સેવા સંબંધી મામલાઓ ઉપરાજ્યપાલના આધિન હોય છે.(૨-૪)

(11:32 am IST)