મુખ્ય સમાચાર
News of Saturday, 5th June 2021

કોરોનાએ વિશ્વમાં બાયોમેડિકલ વેસ્ટની સમસ્યા વધારી

ભારતમાં જૂન ૨૦૨૦થી ૧૦ મે, ૨૦૨૧ સુધીમાં ૪૫,૦૩૮ ટન કોવિડ-૧૯નો બાયોમેડિકલ કચરો પેદા થયો

નવી દિલ્હી, તા.૫: કોરોનાએ મહામારી માનવ સમુદાયને કદીયે ના ભરપાઈ થાય તેવું નુકસાન પહોંચાડી રહી છે. આ મહામારીથી બચવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા વિવિધ તબીબી સંસાધનોને કારણે ઉત્પન્ન થઈ રહેલી બાયોમેડિકલ વેસ્ટની સમસ્યા કોરોનાની મહામારી જેટલી જ ખતરનાક બની રહી છે. વિશ્વમાં લાખો-કરોડો લોકો સર્જીકલ માસ્ક, પીપીઈ સુટ, હાથનાં મોજાં વગેરેનો અયોગ્ય નિકાલ કરી રહ્યાં હોવાથી પર્યાવરણ પર માઠી અસર થઈ રહી છે. દર વર્ષે ૫ જૂનના રોજ વૈશ્વિક સ્તરે 'લોકોમાં પર્યાવરણની જાળવણી અંગેની જાગરુકતા કેળવવા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાના કારણે દર વર્ષની તુલનાએ આ વખતનો વિશ્વ પર્યાવરણ દિવસ વધુ મહત્વનો એટલાં  માટે છે કે આ વખતે પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડતાં પ્લાસ્ટિક સામેના અભિયાનને મોટો ફટકો પડયો છે. ઈન્જેકશની સિરિન્જથી લઇને પીપીઇ સુટ સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્લાસ્ટિકનો વપરાશ વધ્યો છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડ્ર અનુસાર ભારતમાં જૂન, ૨૦૨૦થી ૧૦ મે, ૨૦૨૧ સુધીમાં ૪૫,૦૩૮ ટન કોવિડ-૧૯નો બાયોમેડિકલ કચરે પેદા થયો હતો.

વૈશ્વિક મહામારીને કારણે હોસ્પિટલો, સ્મશાનો સહિતના સ્થળોએ પીપીઈ સૂટનો ઢગલો જોવા મળે છે. લોકો ગમે ત્યાં સર્જિકલ માસ્ક, ફેસ શિલ્ડ ફેંકી રહ્યાં છે. આ ઉપરાંત સેનિટાઈઝર્સની બોટલ્સ, હાથ મોજાં વગેરેને લોકો રસ્તામાં ફેંકી પર્યાવરણનો સોંથ વાળી રહ્યાં છે. પર્યાવરણ સંરક્ષણની કામગીરી સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે ભારતમાં કચરાના નિકાલની અયોગ્ય પદ્ઘતિ અને તે તરફ દાખવવામાં આવતી બેદરકારીને કારણે સંકટ વધુ ઘેરું બન્યું છે.

(1:09 pm IST)