મુખ્ય સમાચાર
News of Friday, 5th June 2020

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય સરેરાશથી વધારે દર્દીઓ

મધ્યપ્રદેશમાં પરિસ્થિતિમાં સુધારો

નવી દિલ્હી તા. ૫ : દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ગુરૂવારે ૯૩૦૪ નવા કેસો જાહેર થયા અને ૨૬૦ લોકોના મોત થયા. અત્યાર સુધીમાં ૨,૧૭,૯૬૫ કેસ નોંધાઇ ચૂકયા છે. ઘણાં રાજ્યોમાં સંક્રમણ દર બેકાબૂ છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં તો રાષ્ટ્રીય સરેરાશથી પણ વધારે દર્દીઓ મળી રહ્યા છે.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા બહાર પડાયેલ આંકડાઓ અનુસાર, બુધવારે ૧,૩૯,૪૮૫ ટેસ્ટ કરવામાં આવ્યા. આ હિસાબે જોઇએ તો દર ૧૦૦ ટેસ્ટે ૬.૬૭ દર્દી મળી રહ્યા છે. પણ મહારાષ્ટ્રમાં આ આંકડો ૧૬થી પણ વધારે છે. હાલમાં રાષ્ટ્રીય સરેરાશથી વધારે દર્દીઓ મળી રહ્યા છે. આ રાજ્યોના લીધે નવા કેસો ઝડપથી વધી રહ્યા છે.

રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં પરિસ્થિતિ થોડી સુધરી છે. પહેલા આ રાજ્યોમાં ઓછા ટેસ્ટીંગે વધારે દર્દીઓ મળતા હતા પણ હવે એક દર્દી માટે વધારે ટેસ્ટ કરવા પડે છે એટલે કે અહીં ટેસ્ટીંગ અને પોઝીટીવ કેસનો રેશીયો વધતો જાય છે. જેનો સીધો અર્થ છે કે આ રાજ્યોમાં જરૂરીયાતના હિસાબે પૂરતા ટેસ્ટ થઇ રહ્યા છે અને તેમાં સતત સુધારો થઇ રહ્યો છે. તો તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીની હાલત બગડી છે, ત્યાં વધારે ને વધારે ટેસ્ટીંગ કરાવવાની જરૂર છે.

દેશમાં સંક્રમણનો દર જો આ જ રહેશે તો બે દિવસ પછી તે ઇટલીથી પણ આગળ નીકળી જશે. વર્લ્ડોમીટરના આંકડા જોઇએ તો ઇટલીમાં ગુરૂવારે બપોર સુધીમાં કુલ ૨,૩૩,૮૩૬ કેસ હતા. જ્યારે ભારતમાં ૨,૧૭,૯૬૫ કેસ. દેશમાં રોજના લગભગ ૯ હજાર કેસ આવે છે. આ હિસાબે ૨ દિવસ પછી અહીં ૨ લાખ ૩૫ હજારથી વધારે કેસ હશે. જો કે મોત બાબતે ભારત ઇટલીથી ઘણું પાછળ છે. આટલા કેસ પછી ત્યાં ભારત કરતા પાંચ ગણા વધારે મોત થયા છે.

(9:57 am IST)