મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

એરસેલ સોદાબાજી પ્રકરણમાં ચિદમ્બરમની લાંબી પુછપરછ

છ કલાકથી પણ વધુ સમય સુધી પુછપરછઃ સવારે પહોંચ્યા બાદથી સાંજ સુધી પુછપરછ : ચિદમ્બરમે ઇડીની ટિકા કરી : એફઆઈઆર ન નોંધી હોવાની દલીલ

નવીદિલ્હી, તા.૫: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની આજે આકરી પુછપરછ કરવામાં આવી હતી. આશરે છ કલાક સુધી પુછપરછ કરવામાં આવ્યા બાદ ચિદમ્બરમે ઇડીની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, તેમની સામે હજુ પણ કોઇ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. તમામ પ્રશ્નોના જવાબ તપાસ સંસ્થાને આપી દેવામાં આવ્યા છે. સરકારી દસ્તાવેજોમાં નોંધવામાં આવી ચુક્યા છે. ચિદમ્બરમે કહ્યું હતું કે, તેમની સામે કોઇ એફઆઈઆર દાખલ થઇ નથી. તેમની સામે તપાસ પણ હજુ શરૃ થઇ નથી. ઇડી સમક્ષ ઉપસ્થિત થયા બાદ તેમની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રશ્નો પહેલાથી જ ફાઇલમાં નોંધાયેલા હતા જેથી જવાબો પણ ફાઈલમાં જ નોંધાયેલા હતા. તેમણે કહ્યું હતું કે, કોઇપણ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.

પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, ઇડી દ્વારા છ કલાકની પુછપરછ દરમિયાન ભુલવગર જવાબો ટાઇપ કરીને સમય હાથ ધરવામાં આવ્યો હતો. ચિદમ્બરમની પુછપરછ કરવામાં આવતા કોંગ્રેસની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચિદમ્બરમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ૩૫ કરોડ રૃપિયાના એરસેલ-મેક્સિસ સોદાબાજીના મામલામાં ચિદમ્બરમની ભૂમિકામાં તપાસ થઇ રહી છે. આ સૌદાબાજીમાં ઇડી દ્વારા પહેલાથી પુત્ર કાર્તિની પુછપરછ કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસના નેતાએ ગયા સપ્તાહમાં જ આ કેસમાં ઇડી દ્વારા ધરપકડથી રાહત મેળવવા માટે સ્પેશિયલ જજ ઓપી સૈનીની કોર્ટમાં રજૂઆત કરી હતી. આ અદાલતે આજે ચિદમ્બરમ સામે કોઇ કાર્યવાહીના પગલા ન લેવા અને ૧૦મી જુલાઈ સુધી ધરપકડ ન કરવા માટેનો આદેશ કર્યો હતો. ઇડીએ સૌથી પહેલા ૩૦મી મેના દિવસે તેનીસમક્ષ ઉપસ્થિત થવા માટે ચિદમ્બરમને કહ્યું હતું. તેજ દિવસે ચિદમ્બરમે કોર્ટમાં રજૂઆત કરી હતી અને રાહતની માંગણી કરી હતી.

(9:54 pm IST)