મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

ચૂંટણી માહોલ સર્જવા ચાર વિરાટ રેલી કરવાની તૈયારી

સંબંધિત મોરચાઓને તૈયારીઓમાં લાગવા આદેશ : દિલ્હીના સાતેય સંસદીય ક્ષેત્રોમાં મોટા ભાગના લોકો સુધી પહોંચવા પ્રયાસ : રામલીલા મેદાનમાં મહાસંમેલન

નવીદિલ્હી,તા. ૫ : આગામી વર્ષે યોજનાર લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પણ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલના દિવસોમાં ભાજપ એકબાજુ કેન્દ્રની મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ પ્રજા સુધી પહોંચાડવા માટે પ્રચારમાં વ્યસ્ત છે. જનસંપર્ક કાર્યક્રમો ચાલી રહ્યા છે. બીજી બાજુ વર્ષના અંત સુધી ચૂંટણી માહોલ બનાવવા માટે ચાર મોટી રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલી મારફતે ભાજપે યુવાનો, મહિલાઓ, એસસી વોટરો અને અન્ય લોકોને સરકારની સિદ્ધિઓ અને અન્ય બાબતો સમજાવવા માટે પ્રયાસ કરશે. આના માટે સંબંધિત મોરચાને હાલથી જ તૈયારીમાં લાગી જવા માટેના આદેશો કરી દેવામાં આવ્યા છે. આ સંદર્ભમાં રવિવારના દિવસે પાર્ટીના પૂર્વાંચલ મોરચાની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પ્રદેશ, જિલ્લા અને મંડળ સ્તરના ૨૦૦૦થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી અને પ્રદેશના સહપ્રભારી તરુણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાર્ટીના પૂર્વાંચલ મોરચાના વડા મનિષ સિંહ સહિત અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પૂર્વાંચલ મોરચાના કાર્યકરો દિલ્હીના સાતેય સંસદીય ક્ષેત્રના પૂર્વાંચલ વસતીવાળા વિસ્તારમાં બાઇક રેલી કરશે અને અન્ય કાર્યક્રમો યોજશે.  મોદી સરકારની સિદ્ધિઓ લોકોની વચ્ચે લઇ જવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવાની તૈયારી પણ ચાલી રહી છે. કેન્દ્ર સરકારનો આભાર પ્રગટ કરવા માટે રામલીલા મેદાનમાં એક મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવશે. આ રેલીમાં પૂર્વાંચલ મોરચાને એક લાખ લોકોને એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. રેલીઓ અને સંબોધની જોરદાર તૈયારીઓ ૧૫ ઓગસ્ટ બાદ શરૂ થશે.

(7:45 pm IST)