મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

સુનંદા મોત કેસમાં શશી થરૂરને આરોપી તરીકે રજૂ થવાનો હુકમ

૭મી જુલાઈના દિવસે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થશે : ચાર્જશીટના આધાર પર થરુરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપી તરીકે ગણ્યા છે : ચાર્જશીટ દાખલ કરાયા બાદ શશી થરુર પર સકંજો મજબૂત

નવીદિલ્હી,તા. ૫ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી શરૂરની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમના પત્નિ સુનંદા પુષ્કરના મોતના મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટ દ્વારા શશી થરુરને આરોપી તરીકે ગણ્યા છે જેથી શશી થરુર સુનંદાના કેસમાં ટ્રાયલનો સામનો કરશે. દિલ્હી કોર્ટે કોંગ્રેસના સાંસદ સામે સમન્સ જારી કરી દીધું છે જેના ભાગરુપે એક આરોપી તરીકે સાતમી જુલાઈના દિવસે દિલ્હી કોર્ટમાં તેમને હાજર થવું પડશે. કોર્ટે ચાર્જશીટના આધાર પર શશી થરુરને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આરોપી તરીકે ગણાવીને શશી થરુર સામે સમન્સ જારી કર્યું છે. શશી થરુર ઉપર હવે ટ્રાયલ શરૂ થશે અને સાતમી જુલાઈના દિવસે તેમને કોર્ટમાં ઉપસ્થિત થવું પડશે. મંગળવારના દિવસે દિલ્હી પોલીસે ૩૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી જેના આધાર પર કોર્ટે શશી થરુરને આરોપી તરીકે ગણ્યા છે. આ મામલામાં અનેક વખત કોંગ્રેસી નેતાની લાંબી પુછપરછ પણ થઇ ચુકી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, સુનંદા પુષ્કરના મોતના મામલામાં શશી થરુર સામે કેસ ચલાવવા માટે પુરતા આધાર અને પુરાવા છે. કોર્ટે દિલ્હી પોલીસને પ્રશ્ન કરતા કહ્યું છે કે, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી ઉપર દિલ્હી પોલીસ જવાબ દાખલ કરવા ઇચ્છે છે કેમ. જો કે, દિલ્હી પોલીસના વકીલનું કહેવું છે કે, આવું કરવાની બાબત હાલમાં વહેલીતકે રહેશે. સુબ્રમણ્યમ સ્વામી સુનંદા પુષ્કરના મોત બાદથી કોંગ્રેસ સાંસદ શશી થરુર ઉપર આક્ષેપબાજી કરતા રહ્યા છે. સ્વામીનું તો એમ પણ કહેવું છે કે, સુનંદાની હત્યામાં શશી થરુરનો હાથ રહેલો છે. આ મામલામાં દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. સુનંદા ૧૭મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે ચાણક્યપુરી સ્થિત ફાઈવસ્ટાર હોટલ લીલા પેલેસના મકાન નંબર ૩૪૫માં મૃત હાલતમાં મળી આવી હતી. મોતને પહેલા આત્મહત્યા તરીકે ગણાવવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ વિસરા રિપોર્ટ આવ્યા બાદ પોલીસે વણઓળખાયેલા લોકોની સામે હત્યાની કલમો ઉમેરીને તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૮મી મેના દિવસે મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ ૩૦૦૦ પાનામાં હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા ઉપર આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો હતો. પોલીસે કહ્યું હતું કે, આ કેસ આત્મહત્યાનો છે. મર્ડરનો કેસ નથી. આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો આવ્યો હતો. દિલ્હી પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી હતી તેમાં જુદી જુદી કલમો રાખવામાં આવી હતી જેમાં કલમ ૩૦૬ અને ૪૯૮એનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે કલમ ૩૦૬ હેઠળ શશી થરુર પર સુનંદાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત સ્થાનિક હિંસા અથવા તો પત્નિની સાથે ક્રૂરતાની કલમ ૪૯૮એનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટીવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક લડાઈ ઝગડા અને શશી થરુર સાથે સારા સંબંધ ન હોવાનાલીધે સુનંદા પુષ્કરને આત્મહત્યા તરફ દોરી જવાની ફરજ પડી હતી.

(7:42 pm IST)