મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

રાજનાથસિંહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

જમ્મુ - કાશ્મીરમાં આતંકી હુમલા બાદ સરકાર એકશનમાં

નવી દિલ્હી તા. ૫ : કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ૭ જૂનથી જમ્મૂ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ રમઝાન દરમિયાન આતંકીઓ વિરુધ્ધ રોકવામાં આવેલ ઓપરેશનના નિર્ણયની સમીક્ષા કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન સરહદ પર ફાયરિંગમાં પ્રભાવિત થયેલા લોકો સાથે મુલાકાત પણ કરશે.

ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કશ્મીરની મુલાકાત પહોંચવાના છે જેને લઇને રાજયમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ સુરક્ષાબળોની કાર્યવાહી રોકવામાં આવેલા નિર્ણયથી ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે. રાજનાથસિંહ સરહદ પર ગોળીબારથી પ્રભાવિત વિસ્તારમાં જઈ પીડિત લોકોની મુલાકાત પણ લેશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન મુલાકાત દરમિયાન કુપવાડા પણ જશે. આમ આ મુલાકાત બાદ રાજનાથસિંહ પોલીસ અને અર્ધ સૈન્યબળ તથા સુરક્ષા એજન્સીના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં રમજાન મહિનામાં રોકવામાં આવેલી કાર્યવાહીને લઈને હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રમજાનના કારણે સુરક્ષાબળોના હાથ બાંધી રાખવામાં આવ્યા છે. ગત ૧૬ મેના રોજ કેન્દ્ર સરકરા દ્વારા કાર્યવાહી રોકવાનો આદેશ કરવામાં આવ્યો હતો. સુત્રોને મળતી માહિતી મુજબ નાગરિકોના જીવન પર પડનારી અસરને લઈને સૈન્યબળના હાથ બાંધી રાખવામાં આવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી રાજનાથસિંહ રાજય સરકાર અને સુરક્ષા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને ઈદ બાદ ભારત દ્વારા પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે છે. બીજી તરફ, અમરનાથ યાત્રા પણ ચાલુ રહેશે. ૨૮ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થશે.ગૃહમંત્રીની આ મુલાકાત હુર્રિયત કોન્ફરન્સ સાથે વાર્તાલાપના પ્રસ્તાવને લઈને પણ છે. હુર્રિયતે વાર્તા લાપ માટે તૈયારી પણ બતાવી છે. પરંતુ તે જમ્મુ-કશ્મીરને વિવાદિત વિસ્તાર જાહેર કરવાની માગ કરી રહ્યું છે જેનો સ્વીકાર હજુ સુધી ભારતે કર્યો નથી.

(3:55 pm IST)