મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

કર્ણાટકના કોંગ્રેસી નેતાઓ ખાતાની ફાળવણી અને પ્રધાન પદ માટે દિલ્હી જશે

બેંગ્લોર તા. પ :.. ૬ જૂને થનાર કર્ણાટક પ્રધાન મંડળના વિસ્તરણ પહેલા કર્ણાટકના કોંગ્રેસી નેતાઓ પ્રધાન મંડળમાં જગ્યા મેળવવા અને ખાતાની ફાળવણી માટે દિલ્હી જાય તેવો સંકેત નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્વરાએ આપ્યો હતો.

પરમેશ્વરાએ રીપોર્ટરોને કહ્યું કે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી વિદેશથી આજે આવી જવાના છે. તેઓ અમને બોલાવશે. ત્યારે અમે જઇશું કદાચ આજે અથવા આવતી કાલે.

કર્ણાટકમાં સત્તાધારી બંને પક્ષ દ્વારા એક એગ્રીમેન્ટ કરાયો છે. જે પ્રમાણે કોંગ્રેસને ગૃહ, સિંચાઇ, બેંગ્લોર શહેર વિકાસ, કાયદો અને સંસદીય બાબતો, જયારે જેડીએસને નાણા, એકસાઇઝ, માહિતી, પીડબલ્યુ ડી, પાવર, સહકાર, ટુરીઝમ, શિક્ષણ અને ટ્રાન્સ્પોર્ટ ખાતાઓ ફાળવાયા છે.

કોંગ્રેસી સુત્રો પ્રમાણે જેમણે ઘણો સમય પ્રધાન પદુ ભોગવ્યું હોવા તેવાને પક્ષના કામ સોંપીને નવા ચહેરાઓને પ્રધાન બનાવવાની શકયતા દેખાતા પ્રધાન પદ ઇચ્છુક સીનીયર નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે.

આ પ્રશ્નનો જવાબ આપતા પરમેશ્વરાએ કહયું કે આવી કોઇ ચર્ચા નથી થઇ. એવો એક મત હતો કે નવા ચહેરાઓને તક આપવામાં આવે. હાઇકમાન્ડ આવા સજેશન પર વિચાર કરીને ખાતાની ફાળવણી કરશે.

જેડીએસ પક્ષમાં પણ પ્રધાન પદ મેળવવા માટે લોબીંગ ચાલુ જ છે. પક્ષના સુપ્રીમો એચ. ડી. દેવેગૌડાના પુત્ર એચ. ડી. રેવાન્ના એનર્જી સહિત બે ખાતા માટે લોબીંગ કરી રહ્યા હોય થોડાક સીનીયર ધારાસભ્યો નારાજ થયા છે.

કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી એસ. આર. પાટીલના રાજીનામા અંગે પરમેશ્વરાએ કહ્યું કે તેમણે આ બાબતે મારી સાથે કોઇ વાત નહોતી કરી. પરમેશ્વરાએ વધુમાં કહ્યું કે હું તેમની સાથે વાત કરીને રાજીનામાનું કારણ જાણીશ. જયાં સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી તેમના ઘરની બહાર પક્ષના નારાજ કાર્યકરોએ કરેલા પ્રદર્શનથી તેઓ નાખુશ છે. પાટીલે કર્ણાટક ચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શનની નૈતિક  જવાબદારીનું કારણ દર્શાવીને પોતાનું રાજીનામું ગઇકાલે મોકલી આપ્યું હતું.

જો કે કોંગ્રેસ સુત્રો પ્રમાણે જેડીએસ સાથે સરકાર બનાવવાની પ્રક્રિયામાં તેમને સાઇઝમાં કરી દેવાયા હોવાથી તેઓ નારાજ છે.

(3:54 pm IST)