મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

ઓનલાઇન સટ્ટા પર સકંજો

પોલીસ સટ્ટાની દરેક વેબસાઇટ અને એપની માહિતી એકઠી કરી રહી છે

મુંબઇ, તા. પ : આઇપીએલ સટ્ટા મામલામાં સોનુ જાલાનની ધરપકડ પછી પોલીસ સટ્ટાબાજીની દરેક વેબસાઇટ અને એપની માહિતી એકઠી કરી રહી છે. થાણે પોલીસ જાલાન અને બીજા પાંચ સામે મકોકા પણ લગાવી શકે છે.

સોનુ જાલાન સિવાયના પાંચની ઓળખ કોલકતા જુનિયર, ચિરાગ વલ્લભ, મુનીરખાન, કિરણ મલ્લા અને દિલીપ જુધાણી તરીકે કરવામાં આવી છે. આ બધા આરોપીઓ રવિ પુજારી ગેંગના ઇશારે કામ કરતા હતાં. અરબાઝખાન આ મામલામાં સાક્ષી બનવાનો છે. માજી પોલીસ કર્મચારી સોહેલ બુઢ્ઢાના ભાઇ સમીરને સમન્સ મોકલાયો છે અને તપાસ માટે થાણે પોલીસમાં બોલાવાયો છે.

અધિકારીઓએ કહ્યું કે ભારતમાં બેટનટેક ડોટકોમ, ડાયમંડડેકસ્થગ ડોટકોમ, બેટનવોચ ડોટકોમ અને ગેમએડી કોટકોમ એમ ચાર વેબસાઇટો પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

એઇસીના અધિકારીએ કહ્યું કે સોનુ જાલાન સમીર બુઢ્ઢાની કારનો ઉપયોગ કરતો હતો. બંને ઘણા સમયથી મિત્ર છે. સમીર બુઢ્ઢા અને પ્રોડયુસર પ્રાગ સંઘવી મંગળવારે પોતાનું બયાન આપવાના છે. અધિકારીએ કહ્યું કે અમે આ મામલે માજી પોલીસ કર્મચારી સોહેલ બુઢ્ઢાની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહ્યા છીએ.

એઇસીના પ્રમુખ પ્રદીપ શર્માએ કહ્યું કે અમે બધા સટ્ટાબાજો સામે મકોકા લગાડવાની ભલામણ કરી છે. અમને સોનુ જાલાનના લેવડ-દેવડના કેટલાય વ્યવહારોની જાણકારી મળી છે. અમે કેટલાક સાક્ષીઓની તપાસ કરી રહ્યા છીએ. કેટલાક વધારે લોકોની આ મામલે ધરપકડ થઇ શકે છે.(૮.૬)

 

(11:29 am IST)