મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

સોશ્યલ મિડીયા પર મહિલાઓને અભદ્ર સ્વરૂપે રજૂ કરવા ઉપર પ્રતિબંધ આવશે

સરકાર એક કેન્દ્રીય એજન્સી બનાવવા માગે છેઃ એકટમાં ફેરફાર કરવામાં આવશેઃ વિજ્ઞાપનની પરિભાષા બદલાશેઃ મહિલાઓને અભદ્ર સ્વરૂપે રજુ કરનારાઓની હવે ખેર નહિ રહેઃ અધિનિયમના દાયરાને વ્યાપક બનાવવા પણ નિર્ણયઃ ઈલેકટ્રોનીક હોર્ડીંગને પણ સામેલ કરાશે

નવી દિલ્હી, તા. ૫ :. સરકારે પરંપરાગત અને આધુનિક સોશ્યલ મિડીયામાં મહિલાઓને અભદ્ર અને અશિસ્ટ સ્વરૂપમાં પ્રસ્તુત કરવાથી રોકવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ હેઠળ એક કેન્દ્રીય એજન્સી બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રાલયે જણાવ્યુ છે કે, આ જોગવાઈ કરવા માટે સ્ત્રી અશિસ્ટ રૂપણ પ્રતિષેધ અધિનિયમ ૧૯૮૬માં સંશોધન કરવાની સંસદીય સમિતિની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

મંત્રાલયનુ કહેવુ છે કે, આ અધિનિયમમાં ફેરફાર કરવાની જરૂરીયાત લાંબા સમયથી કરવાની જરૂર હતી અને એને લઈને વર્ષ ૨૦૧૨માં રાજ્યસભામાં એક ખરડો પણ રજુ કરવામાં આવ્યો હતો જે પછી સંસદીય સ્થાયી સમિતિમાં તે મોકલી દેવાયો હતો. સમિતિએ ભલામણમાં જણાવ્યુ હતુ કે, આમા ભારતીય વિજ્ઞાપન માનક પરિષદ, ભારતીય પ્રેસ પરિષદ, માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રતિનિધિ પણ હોવા જોઈએ આ સિવાય મહિલાઓના મુદ્દે કાર્યરત કોઈ જાણીતી વ્યકિત પણ તેનો સભ્ય બનવા જોઈએ. આ કેન્દ્રીય એજન્સી કોઈ કાર્યક્રમ, વિજ્ઞાપન અને પ્રકાશન કોઈપણ મહિલાની અભદ્ર પ્રસ્તુતીથી સંબંધીત ફરીયાદોને સાંભળી શકશે અને તપાસ કરી શકશે.

મંત્રાલયે કહ્યુ છે કે એકટમાં ફેરફાર કરવા માટે સમાજના વિવિધ વર્ગો સાથે ચર્ચા કરવામાં આવી છે. પ્રસ્તાવ અનુસાર વિજ્ઞાપનની પરિભાષામાં ફેરફાર કરવામાં આવશે અને તેમા ડીજીટલ તથા એસએમએસ-એમએમએસને પણ સામેલ કરાશે. જેમાં ઈલેકટ્રોનીક હોર્ડીંગ્ઝ પણ સામેલ હશે. વિતરણ, પ્રકાશનની પરિભાષામાં ફેરફાર કરાશે અને અપલોડીંગને પણ સામેલ કરાશે.(૨-૪)

 

(11:26 am IST)