મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

મોદી સરકાર પાછલા બારણેથી 'સેન્સરશીપ' લાદવાની તૈયારીમાં

કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 'મીનીસ્ટ્રી ઓફ ટ્રુથ'ની રચના કરવા હીલચાલઃ ટેન્ડરો મંગાવાયાઃ લોકોની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો કારસોઃ લોકોની દરેકે દરેક હીલચાલ ઉપર સરકારની વોચ રહેશેઃ સરકાર-પક્ષ વિરૂદ્ધની પ્રવૃતિ અટકાવવા, તેનો જડબાતોડ જવાબ આપવા સરકાર એક અલગ પ્લેટફોર્મ ઈચ્છે છેઃ આ પ્લેટફોર્મ સરકારની આંખ અને કાન બનશે

નવી દિલ્હી, તા. ૫ :. કેન્દ્રની મોદી સરકાર સીધી રીતે નહિ પરંતુ પાછલા બારણેથી સેન્સરશીપ અથવા તો લોકોની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાની તૈયારી કરી રહી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. મોદી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 'ધ મીનીસ્ટ્રી ઓફ ટ્રુથ' (સત્ય મંત્રાલય)ની રચના કરવા માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે અને આ માટે ટેન્ડર પર બહાર પાડવામાં આવી રહ્યુ હોવાનું જાણવા મળે છે.

કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ વેબપોર્ટલ, ટીવી ચેનલો, અખબારો, ફેસબુક સહિતના સોશ્યલ મીડીયા ઉપર દેખરેખ અર્થાત પોતાની વોચ રાખવા માગે છે અને તેથી જ સરકારે ૨૫મી એપ્રિલે ૨૦૧૮ના રોજ ટેકનીકલ બીડ મંગાવ્યા હતા જે સરકારની આંખ અને કાન બનશે. ૧૭મી મે ૨૦૧૮ના રોજ ટેકનીકલ બીડસનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદના નામે સરકાર આ પ્રકારનું ગતકડુ કરી રહી હોવાનું જાણવા મળે છે. સરકાર સત્ય મંત્રાલયની સ્થાપવા કરવા માંગે છે. જે સરકાર વિરૂદ્ધની નકારાત્મક બાબતો ઉપર બારીક દેખરેખ પણ રાખશે.

સરકારે જે બીડ મંગાવી હતી તેની કેટલીક જોગવાઈઓ ચિંતા ઉપજાવે તેવી છે. વિવિધ વિષયો ઉપર લોકો સોશ્યલ મીડીયા પર ચર્ચા કરતા હોય તે બધી બાબત આ મંત્રાલય થકી સરકાર પાસે પહોંચી જશે. એટલે કે કોઈ બાબત સરકારથી છાની રહી શકશે નહિં. ઈ-મેઈલ, સોશ્યલ મીડીયાની પોસ્ટ વગેરે ઉપર સરકારની નજર રહેશે. સોશ્યલ મીડીયા ઉપર રાઉન્ડ ધ કલોક સરકારની નજર રહી શકશે તેવુ જાણવા મળે છે. સરકાર એવુ ઈચ્છે છે કે, લોકો તેની વિરૂદ્ધ શું સોશ્યલ મીડીયા પર પ્રચાર કરે છે ? તેની તેને જાણ થાય.

સરકારની માહિતી અને પ્રસારણ મંત્રાલય ઈચ્છે છે કે, કેટલાક ચોક્કસ વિષયો ઉપર લોકો જે ચર્ચા કરતા હોય, તેઓની લાગણી જે કંઈ હોય તેની તેને માહિતી મળે એટલુ જ નહિ આવી ચર્ચા કોણ કરે છે? તેની વિગત પણ સરકારને લોકેશન સહિતની મળે તે પ્રકારે વ્યવસ્થા થાય તેવુ સરકાર ઈચ્છે છે. એક વખત આ મંત્રાલયની રચના થઈ જાય તે તરત જ સરકારના ટીકાકારો અને રાજકીય વિરોધીઓની બોલતી બંધ થઈ જશે તે નક્કી છે.

ટ્રુથ મંત્રાલયની સ્થાપના કરીને સરકારનું આ મંત્રાલય ઈચ્છે છે કે, કોઈપણ સ્તરે સરકારની ટીકા થાય તો તેનો વળતો પ્રહાર કરી શકાય ? એટલુ જ નહિ સરકાર વિરૂદ્ધની કે પક્ષ વિરૂદ્ધની કોઈ પ્રવૃતિ થાય તો તેને અટકાવી દેવી. સરકારનું આ મંત્રાલય જે રીતે આગળ વધી રહ્યુ છે તેના ઘેરા પડઘા પડે તેવી શકયતા છે કારણ કે આ બાબત લોકોની સ્વતંત્રતા ઉપર તરાપ સમાન ગણી શકાય.(૨-૧૨)

(11:29 am IST)