મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

કિસાન કલ્યાણ માટે જીએસટીના દરોમાં ૧ ટકાનો વધારો કરવા પ્રસ્તાવ

પ્રધાનોના સમુહે કરી વિચારણાઃ કેન્દ્ર અને રાજ્યો આવકનો અડધો-અડધો હિસ્સો વહેંચી લેશેઃ જીએસટીના તમામ સ્લેબમાં ૧ ટકાનો વધારો કરવા પ્રસ્તાવઃ સરકાર શેરડી પકવતા ખેડૂતો ઉપરાંત તમામ ખેડૂતોના કલ્યાણ માટે જંગી ફંડ ઉભુ કરવા માગે છેઃ અગાઉ સુગર સેસ લાદવા વિચારણા થઈ હતી પરંતુ નિર્ણય લેવાયો ન હતો

નવી દિલ્હી, તા. ૫ :. કિસાન કલ્યાણ કોષ (ભંડોળ) માટે જીએસટીના દરોમાં ૧ ટકાનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે જીએસટી પરિષદ દ્વારા સ્થાપિત પ્રધાનોના સમુહ દ્વારા આ બાબત પર વિચારણા કરવામાં આવી રહી છે.

શેરડી પકવતા ખેડૂતોને ચુકવવાની થકી રકમને લઈને ઉપજેલા સંકટથી બહાર આવવા માટે સરકાર દ્વારા પ્રસ્થાવિત ચીની (ખાંડ) ઉપકરને લઈને વધારાના વિકલ્પ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટીના દરોમાં વધારાના પ્રસ્તાવ અંતર્ગત કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધારાની આવકને શેર કરવા કિસાન કલ્યાણ નિધી ઉભુ કરી ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવશે. આ નાણાનો ઉપયોગ ખેડૂતોની બધી જરૂરીયાતો પુરી કરવા જીએસટી પરિષદ રચવામા આવેલ પ્રધાનોના સમુહ દ્વારા જીએસટીના દરોમાં ૧ ટકાનો વધારો કરવા વિચાર કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુગર સેસની અવેજમાં આ વધારો કરવામાં આવે તેવી શકયતા છે. પ્રધાનોના સમુહે સુગર સેસ લાદવા અને જીએસટીમાં ઈથેનોલનો ઘટાડો કરવા પણ વિચારણા કરી હતી. જો જીએસટીના દરમાં ૧ ટકાનો વધારો કરવામાં આવે તો કેન્દ્ર અને રાજ્યને વધારાનું ફંડ મળી શકે અને તેનો ઉપયોગ ખેડૂતો માટે ભંડોળ ઉભુ કરવા થઈ શકે.

કેરળના નાણામંત્રી ટી.એમ. થોમસે જણાવ્યુ હતુ કે, જીએસટીના તમામ સ્લેબમા ૧ ટકાનો સમાન વધારો કરવામાં આવે તેવી શકયતા છે. આમાથી ૦.૫ ટકા કેન્દ્ર રાખશે અને બાકીનો હિસ્સો રાજ્યો રાખશે. આ નાણાનો ઉપયોગ માત્ર શેરડી પકવતા ખેડૂતો જ નહી પરંતુ તમામ ખેડૂતોના કલ્યાણ અર્થે કરવામાં આવશે. જે તે રાજ્યો કલ્યાણ ફંડ ઉભુ કરશે અને ખેડૂતોની મદદ કરશે. હાલ જીએસટીના દરો ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા છે. સરકાર શેરડી પકવતા ખેડૂતોને ૭૦૦૦ કરોડનું બેલ આઉટ પેકેજ આપવા તૈયારી કરી રહી છે.(૨-૩)

(11:28 am IST)