કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહનો બફાટ : વિપક્ષની સરખામણી ઓસામા બિનલાદેન સાથે કરી
એ ઉપરાંત બીજેપી પ્રવકતાએ પણ વિપક્ષની સોચને હાફિઝ સઇદ સાથે સરખાવી

નવી દિલ્હી, તા. પ : કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ અને બીજેપીના પ્રવકતા સંબિત પાત્રાએ વિરોધ પક્ષોને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે. ગિરિરાજ સિંહે વિરોધ પક્ષોને આતંકી ઓસામા બિન લાદેન સાથે સરખાવતા ઓસામાવાદી ગણાવ્યા છે.
ગિરિરાજ સિંહે ગઇકાલે સવારે ટવીટ કરતા એનડીએએ વિરૂદ્ધ વિરોધ પક્ષનોની એકતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે 'માઓવાદી, જાતિવાદી, સામંતવાદી અને ઓસામાવાદી બધા એનડીએ વિરૂદ્ધ એકઠા થઇ ગયા છે. જોકે વિકાસની અવિરત ગંગામાં વહીને એનડીએની નાવ નિયત ગતિએ ર૦૧૯ની ચૂંટણીનો પડાવ ચોક્કસ પાર કરી જશે.'
આ પહેલા બીજેપીના પ્રવકતા સંબિત પાત્રાએ પણ એકઠા થઇ રહેલા વિરોધ પક્ષો માટે આવું જ વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણે મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદનો એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'મોદી ર૦૧૯માં વડાપ્રધાન ન બને એવું માત્ર મહાગઠબંધન ઇચ્છે છે એવું નથી, એવા બીજા અનેક છે જે આવું ઇચ્છે છે. હાફિઝ સઇદ ખુલ્લેઆમ નરેન્દ્ર મોદીનું ખૂન વહેવડાવવાની વાત કરી રહ્યો છે.'
દિલ્હીના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દિક્ષિતે આ નિવેદનને ગરિમાહીન ગણાવતા કહ્યું હતું કે, 'રાજનનીતિમાં પણ ગરિમાની એક રેખા હોય છે, જેને કોઇએ પાર કરવી ન જોઇએ. આપણે યાદ રાખવું જોઇએ કે આપણી લડાઇ કોઇ અંગત દુશ્મનની નથી, માર રજકીય લડાઇ છે. પોતાના હાથમાંથી સત્તા જતી જોઇ હતાશામાં તેઓ આવી ટિપ્પણી કરે છે.' (૮.૪)