મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

કોરોનાકાળ : લોન ધારકો - નાના ઉદ્યોગોની વ્હારે રિઝર્વ બેંક

રિઝર્વ બેંકે કોરોના સંકટમાં આપીરાહત : ૨૫ કરોડ રૂપિયા સુધીની લોનવાળા ગ્રાહકો ઉઠાવી શકશે રીસ્ટ્રકચરીંગનો ફાયદો : KYCને લઇને RBIએ આપી મોટી સુવિધા : ડિસેમ્બર સુધી બેંકો નહિ લગાવે કોઇ દંડાત્મક પ્રતિબંધ : ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવા માટે ૫૦,૦૦૦ કરોડ આપશે RBI : હોસ્પિટલો - વેકસીન આયાતકારો - ઓકસીજન સપ્લાયરોને ફાયદો

નવી દિલ્હી તા. ૫ : આરબીઆઇના ગવર્નરે કોરોના સાથે લડવાનો બુસ્ટર ડોઝ આપ્યો. તેઓએ કોરોનાની દવા અને વેકસીનની વ્યવસ્થા માટે ફંડ આપવાની વાત કહી. જો કે લોન ન ભરી રહેલા લોકોને રીસ્ટ્રકચરીંગ ૨.૦ની સંજીવની આપી એટલું જ નહી જે કસ્ટમર કેવાયસી ચુકી ગયા છે તેના માટે પણ આરબીઆઇએ ખાસ વ્યવસ્થા કરી છે. ભારતીય રિઝર્વ બેંકે કોરોના મહામારીથી ત્રસ્ત વ્યકિતઓ તથા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોથી વસુલ ન થઇ રહેલી લોનના પુર્નગઠનની છુટ આપવા સહિત અર્થવ્યવસ્થાને આ સંકટમાં સંભાળવા માટે અનેક નવા એલાન કરવામાં આવ્યા છે.

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસએ આજે કોરોનાના કહેર વચ્ચે પત્રકાર પરિષદનું સંબોધન કર્યુ હતું અને કેટલાક એલાનો કર્યા હતા. આ દરમિયાન તેમણે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે, કોરોનાની બીજી લહેરથી દેશના અર્થતંત્રને નુકશાન થયુ છે અને બીજી લહેરને નાથવા માટે આકરા પગલાની જરૂર છે.

એક બાજુ જ્યાં સ્વાસ્થ્ય પ્રણાલી વણસી છે તો બીજી બાજુ કાળાબજારી કરવાથી લોકો બાજ આવી રહ્યા નથી. જો કે કોરોનાના દૈનિક કેસમાં થોડા દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે જે રાહતના સંકેત છે. પરંતુ રાજ્યોમાં લગાવેલા લોકડાઉનથી લોકો હેરાન-પરેશાન છે. કારણ કે તેની સીધી અસર કમાણી પર પડે છે. દેશની અર્થવ્યવસ્થાને પણ સંકટના સમયથી ઉભરવા માટે મોટા પગલા ભરવાની જરૂર છે.

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વપરાશ વધ્યો છે. વીજળીના વપરાશમાં તેજી આવી છે. ભારતીય રેલવેના માલ ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલમાં પીએમઆઇ ૫૫.૫ ઉપર પહોંચ્યું છે. સીપીઆઇ પણ વધ્યું છે જે માર્ચમાં ૫.૫ ટકા હતું. ભારતની નીકાસ માર્ચમાં વધી છે.

શશીકાંત દાસે સંબોધન દરમિયાન મહામારીથી લડવામાં મદદ કરવા માટે ડોકટર, નર્સ અને અન્ય સ્વાસ્થ્ય સેવા કાર્યકર્તાઓ અને પોલીસ અધિકારીઓને ધન્યવાદ આપ્યા. તેઓએ કહ્યું કે આરબીઆઇ વિશેષ રૂપથી નાગરિકો, વ્યાપારિક સંસ્થાઓ અને બીજી લહેરથી પ્રભાવિત સંસ્થાઓ માટે તેના દરેક સંશાધનો અને ઉપકરણોને તૈનાત કરશે.

આરબીઆઇએ પ્રાઇવેટ, નાના લેણદારો માટે લોન રીસ્ટ્રકચરીંગની બીજી વિન્ડો ખોલી છે. ૨૫ કરોડ રૂપિયા સુધીના એવા લેણદાર, જેણે પહેલા લોન રીસ્ટ્રકચરીંગની સુવિધા લીધી નહોતી. આ વખતે લોન રીસ્ટ્રકચરીંગની સુવિધા શકશે.

આરબીઆઇએ માર્ચ ૨૦૨૨ સુધી કોરોના સબંધિત સ્વાસ્થ્ય સુવિધા માટે ૫૦ હજાર કરોડની વિશેષ લિકિવડિટીની સુવિધાની ઘોષણા કરી તેના દ્વારા બેંક રેપો રેટ પર વેકસીન મેન્યુફેકચર્સ, વેકસીન ટ્રાન્સપોર્ટ, નિકાસકારોને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત હોસ્પિટલો, હેલ્થ સર્વિસ પ્રોવાઇડર્સને પણ તેનો લાભ મળશે. તેઓએ વધુમાં ૩૫ હજાર કરોડની સરકારી સિકયોરીટીઝની ખરીદીનું બીજુ ચરણ ૨૦ મે એ પ્રારંભ થશે.

રાજ્યો માટે ઓવરડ્રાફટ સુવિધા આપવામાં આવશે. ઓવરડ્રાફટમાં રાજ્યોને છુટ મળશે. ઓવરડ્રાફટની સુવિધા વધારીને ૫૦ દિવસ કરવામાં આવી તે પહેલા સમયગાળો ૩૦ દિવસનો હતો.

આરબીઆઇ ગર્વનરે કહ્યું કે, પ્રાયોરિટી સેકટર માટે કોવિડ લોન બુક ીનર્માણ કરાશે. બેંક તેમની કોવિડ બુકની બરાબર જ રકમ રીઝર્વ બેંકની પાસે પાર્ક કરી શકાશે. તેના બદલે બેંકોને રેપોરેટથી ૪૦ આધાર અંક વધુ વ્યાજ મળશે.

કેન્દ્રીય બેંકે ૧૦ હજાર કરોડ સુધીના સ્મોલ ફાઇનાન્સ બેંકો માટે લાંબા સમયગાળાના રેપો ઓપરેશનની ઘોષણા કરી છે તેનો ઉપયોગ પ્રતિ ઉધારકર્તા ૧૦ લાખ રૂપિયા સુધીની લોન માટે કરવામાં આવશે.

ગવર્નરે વધુમાં ઉમેર્યું કે હાલની સ્થિતિ જોઇને કેવાઇસી નિયમમાં થોડાક અંશે ફેરફારો કરવામાં આવ્યા છે. વિડીયો દ્વારા કેવાયસીને મંજુરી આપવામાં આવી છે. આરબીઆઇએ ૧ ડિસે. ૨૦૨૧ સુધી લિમિટેડ કેવાઇસીના ઉપયોગને મંજુરી આપી છે.

(3:03 pm IST)