મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

ગુજરાતના ૫૪ લાખ ખેડૂતો છેતરાયા

ખાતરની કિંમતોમાં ૫૮% સુધી વધારો : રૂપિયા ૧૪૦૦ કરોડનો બોજો

નવી દિલ્હી,તા. ૫: ખેતી માટે પાયાના ફોસ્ટેટિક ખાતરોની કિંમતોમાં કંપનીઓએ ૫૦થી ૫૮ ટકા સુધી વધારો કર્યો છે. ૧લી મેથી અમલમાં આવેલા કમરતોડ ભાવ વધારો જોઈને ગુજરાતના ૫૪ લાખ ખેડૂતો ફરીથી છેતરાયા છે. ફેબ્રુઆરીમાં પાલિકા- પંચાયતોની ચૂંટણી વખતે ગુજરાત સરકારે ભારત સરકારમા દબાણ કરીને ભાવ વધારો પાછો ખેંચાવ્યો હતો. હવે પશ્યિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થઈ છે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દોઢ વર્ષ પછી છે એટલે આ મુદ્દે ભાજપના નેતાઓ શાહમૃગવૃતી પર ઉતરી આવ્યા છે તેવો આક્ષેપ કરતા ખેડૂતોએ ભાવ વધારાને કારણે વાર્ષિક રૂ.૧૪૦૦ કરોડનું ભારણ વધશે એમ કહ્યુ હતુ.

ઈફ્કો, ક્રિભકો, GSFC, બિરલા બલવાન, આઈપીએલ, હિન્દકો, ટાટા સહિતની કંપનીઓ ખાતરનું ઉત્પાદન કરે છે. સરકારી, સહકારી અને ખાનગી ક્ષેત્રની આ કંપનીઓ દ્વારા ૧લી મેથી એક થેલી NPK ગ્રેડ-૨ ના રૂ.૧૯૦૦, NPK ગ્રેડ-૧ના રૂ.૧,૭૭૫, NPSના રૂ.૧,૩૫૦, એકમો સલ્ફેડના રૂ.૭૩૫ કર્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો વધારો હોવાનું અમરેલીના ખાંભા તાલુકાના વાંકિયા (ભાડ) ગામના ખેડૂત ભાનુભાઈ કોઠિયાએ જણાવ્યુ હતુ. GSFC એ ગુજરાત સરકારની માલિકીની કંપની છે, આ કંપનીએ પણ ભાવ વધારો ઝીંકયો છે.

ભાનુભાઈએ કહ્યુ કે, ચૂંટણી પુરતો ભાવ વધારો સ્થગિત રખાવીને સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. પહેલાથી ગામોમાં કોરોનાને કારણે ખેડૂત પરીવારોની સ્થિતિ દારૂણ છે, માર્કેટયાર્ડો બંધ છે, હાથ ઉપર રૂપિયો નથી તેવામાં ૧૫ મેથી ખરીફ સિઝન માટે ખાતરની ખરીદી ખતરનાક સાબિત થશે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ફોસ્ફેટના રોમટિરિયલનો ભાવ વધ્યો છે, ડોલર સામે રૂપિયો નબળો પડયો પણ પડયો છે. આથી, કંપનીઓએ ભાવ વધારાનું કારણ આગળ ધર્યુ છે. અગાઉ જયારે પણ આવી સ્થિતિ આવતી ત્યારે ભારત સરકાર ખાતર ઉપરની સબસિડી વધારીને ખેડૂતો ઉપર આવતુ ભારણ અટકાવતી. ગુજરાત- મહારાષ્ટ્રના ખેડૂતો, સહકારી મંડળીઓ અને ડિલર્સ સબસિડી વધારવા માંગણી કરી રહ્યા છે.

ખાતરની ૫૦ કિલોની થેલી દીઠ થયેલો વધારો

પ્રકાર

જુનો ભાવ

નવો ભાવ

વધારો

DAP

૧૨૦૦

૧૯૦૦

૭૦૦

NPK ગ્રેડ

૧૧૭૫

૧૮૦૦

૬૧૫

APS

૯૨૫

૧૩૫૦

૪૨૫

પોટાશ

૮૫૦

૧૦૦૦

૧૫૦

(11:21 am IST)