મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

ટ્રકભાડામાં ૧૮ થી ૨૭ ટકાનો ઘટાડો

વિવિધ રાજ્યોમાં લોકડાઉન -નિયંત્રણોને પગલે ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું : ટ્રકભાડા'ય ઘટ્યા

નવી દિલ્હી, તા. ૫: એપ્રિલ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટવાથી ચાવીરૂપ માર્ગો પર ટ્રક ભાડાંમાં માર્ચના મુકાબલે ૧૮થી ૨૭ ટકાનો ઘટાડો થયો હતો, એવું એક સંશોધન સંસ્થાએ જણાવ્યું છે.

દેશમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે વિવિધ રાજયોએ આંશિક અથવા સંપૂર્ણ લોકડાઉન સહિતનાં અનેક નિયંત્રણો મૂકયાં હોવાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ૩૫દ્મક ૪૦ ટકાનો ઘટાડો થયો છે જેને પગલે માલની હેરફેર માટે ટ્રકોની માગ ઘટી ગઈ છે, એમ અત્રેની ઇન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગના સીનિયર ફેલો તથા કોઓર્ડિનેટર એસવી સિંઘે એક નોંધમાં જણાવ્યું છે. સાથોસાથ એપીએમસી મંડિયોમાં ફળો અને શાકભાજીની આવક પણ ૧૦-૧૫ ટકા ઘટી ગઈ છે.

ફાઉન્ડેશનના અંદાજ મુજબ ટ્રકોનાં ભાડાં વર્તમાન (એપ્રિલ-જૂન) ત્રિમાસિકમાં તેમ જ સંભવતૅં આવતા ત્રિમાસિકમાં પણ દબાયેલા જ રહેશે.

હાલમાં વેપાર અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં રોકાયેલા અતિ નાનાં, નાનાં અને મધ્યમ એકમો માટે કોઈ નાણાકીય રાહત પઙ્ખકેજ જાહેર કરાયું નથી. કોરોનાને કારણે દેશભરમાં ભારે આર્થિક સંકટ પેદા થયું છે. રોડ ટ્રાન્સપોર્ટ બિઝનેસ વેપાર, ઉઘોગ અને ખેતી પર આધાર રાખતો હોવાથી તેને સખત ફટકો પડયો છે. નેવું ટકા ટ્રકો નાના ટ્રાન્સપોર્ટરોની માલિકીની છે, એમ ફાઉન્ડેશને દેશનાં ૭૫ ટ્રક તેમ જ વેપાર કેન્દ્રોમાંથી મળેલા અહેવાલોના આધારે જણાવ્યું હતું.

દેશનાં પહેલી, બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં સ્વૈચ્છિક ગ્રાહક ખર્ચમાં તીવ્ર ઘટાડો થયો છે. લગ્નસરાના ખર્ચ છતાં ગ્રામીણ માગ દબાયેલી જ રહી છે. આને કારણે ટ્રાન્સપોર્ટ ઉઘોગમાં નિરાશા ફેલાતાં ભારે અને મધ્યમ વ્યાપારી વાહનોનું વેચાણ ૫૦-૬૦ ટકા ઘટી ગયું છે. એપ્રિલ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં ઘરઆંગણે રિફાઇનરીઓએ ડીઝલના ભાવ વધાર્યા ન હતા. તેમ છતાં વ્યાપારી વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો, એમ ફાઉન્ડેશને જણાવ્યું છે.

ફાઉન્ડેશનનું કહેવું છે. માર્ચમાં જીએસટીની વસૂલાતમાં જે વધારો જોવાયો (જેની પ્રતિબિંબ જીએસટીની એપ્રિલની આવકમાં પડયું) તે કરવેરાના કડક અમલને તથા કાચી સામગ્રી, અર્ધતૈયાર કાચી સામગ્રી તથા તૈયાર માલના ભાવમાં છેલ્લા ત્રણ-ચાર મહિનામાં થયેલા વધારાને આભારી હતો. માત્ર સિમેન્ટ અને દવા કંપનીઓ જ તેમાં અપવાદરૂપ હતી.

દેશમાં આંતરરાજય પરમિટ ધરાવતી આશરે ૨૫ લાખ મધ્યમ અને ભારે ટ્રકો અને રાષ્ટ્રીય પરમિટ ધરાવતી આશરે ૧૪ લાખ ટ્રકો છે. જે મધ્યમથી લાંબા અંતર સુધી માલની હેરફેર કરે છે. તેમાંથી આશરે ચાલીસ ટકા ટ્રકોનો અપૂરતો ઉપયોગ થવાથી તેમના માલિકોને નાણાભીડનો સામનો કરવો પડે છે અને બેન્કની લોન ભરવામાં મુશ્કેલી નડે છે.

(9:57 am IST)